અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નાગરિકોને ટ્રાફિક અંગેની માહિતી સરળતાથી મળી રહે અને લોકો પોતાની ફરિયાદો સીધી ટ્રાફિક પોલીસ સુધી પહોંચાડી શકે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ એકાઉન્ટને X દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી
માહિતી મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એકાઉન્ટ ચલાવવા માટે ચોક્કસ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. આ નિયમોમાંથી કોઈ નિયમનો ભંગ થવાના કારણે @PoliceAhmedabad નામથી ચલાવવામાં આવતું અમદાવાદ ટ્રાફિક પોલીસનું એકાઉન્ટ હાલ માટે બંધ કરવામાં આવ્યું છે. પરિણામે લોકો હવે આ એકાઉન્ટ પર પોસ્ટ અથવા ફરિયાદ કરી શકતા નથી.
નાગરિકોની ફરિયાદોનો જવાબ આપવામાં આવતો
આ એકાઉન્ટ મારફતે ટ્રાફિક સંબંધિત અપડેટ, ટ્રાફિક ડાયવર્ઝન, અકસ્માતની માહિતી અને નાગરિકોની ફરિયાદોનો જવાબ આપવામાં આવતો હતો. અનેક લોકો ટ્રાફિક સમસ્યાઓ અંગે સીધી પોસ્ટ કરીને પોલીસને જાણ કરતા હતા, જેને આધારે પોલીસ તરફથી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવતી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વર્લ્ડ કપ T20 ફાઇનલ મેચના દિવસે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટને ખૂબ જ મોટી સંખ્યામાં રીપોસ્ટ અને કોમેન્ટ મળતાં X પ્લેટફોર્મનું ધ્યાન આ તરફ ગયું હતું. ત્યારબાદ કોઈ નીતિ-નિયમના ભંગની સંભાવનાને ધ્યાનમાં રાખીને એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અધિકારીઓએ તરત જ આ બાબતને ગંભીરતાથી લીધી
એકાઉન્ટ સસ્પેન્ડ થતા જ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તરત જ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને X કંપનીને ઈમેલ દ્વારા સંપર્ક કરીને એકાઉન્ટ ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અધિકારીઓના અનુમાન મુજબ ગુરુવાર સાંજ સુધીમાં એકાઉન્ટ ફરીથી ચાલુ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ટી20 ફાઇનલ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ સાથે સંકળાયેલી પ્રવૃત્તિના કારણે એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું હોવાની પણ શંકા છે. સુરક્ષા કારણોસર તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે આ મામલે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી મળ્યો નથી.