રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓના અભ્યાસક્રમમાં હવે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાયેલા વિષયોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી.મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યની શાળાઓમાં હવે Artificial Intelligence (AI)નો અભ્યાસ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે યોજાયેલી બેઠક અને ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓને AI સાથે સાથે Quantum Computing વિશે પણ પ્રાથમિક માહિતી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરાશે
સરકારનું કહેવું છે કે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવાનો છે. વિશ્વસ્તરે વધતી ટેક્નોલોજીકલ સ્પર્ધાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અદ્યતન જ્ઞાન મળે તે માટે અભ્યાસક્રમમાં આ વિષયોને એક પાઠ તરીકે સમાવેશ કરવામાં આવશે.શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે, AI અને નવી ટેક્નોલોજીના અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પ્રોગ્રામિંગ, કમ્પ્યુટર વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજી અંગેની સમજ વધુ મજબૂત બનશે. સાથે જ આ પહેલથી દેશને સેમીકન્ડક્ટર સહિત ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં પણ મદદ મળશે.