ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકાના ગુંદરણ ગામ પાસે આવેલ પ્રેમપરા નેસ વિસ્તારમાંથી ખળભળાટ મચાવનારી વિગતો સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી દૂધ બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે.ગુંદરણ ગામ નજીક આવેલા પ્રેમનગર નેસ વિસ્તારમાં કાર્યરત નકલી દૂધની ફેક્ટરી પર એસ ઓ જી પોલીસે દરોડો પાડયો છે. પોલીસે કુલ 4.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યું કે બનાવટી દૂધ તૈયાર કર્યા બાદ તેને તાલાલા ગીર પંથકની અલગ અલગ ડેરીઓમાં સપ્લાય કરવાનું કૌભાંડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખી રેડ કરાઈ
અહીં રોજ નું 6 હજાર લીટર દૂધનું રોજ ઉત્પાદન કરાતું હોવાનું પોલીસ તપાસમાં બહાર છે.જો કે નકલી દૂધ બનાવવામાં જે પદાર્થ વાપરવામાં આવતો હતો તે જાણી સૌ કોઈના હોશ ઉડાવ્યા છે. કારણ કે નકલી દૂધમાં વપરાતા પદાર્થોને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસરો થતી હોવાની આશંકાઓ વર્તાઈ રહી છે. જેમાં કેન્સર, ડાયાબિટિસ, આંતરડામાં ચાંદા, તેમજ પાચનતંત્રને લગતાઅનેક રોગ થઈ શકે છે. તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ગીર સોમનાથ એસોજી પોલીસને ગુપ્ત રાહે વાતની મળી હતી કે તાલાલાના ગુદરણ ગામ નજીક પ્રેમપરા નેસમાં મોટા પાયે બનાવટી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે એસ ઓ જી પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખી ગત રાત્રે રેડ કરી હતી.
છ હજાર લીટર નકલી દૂધ બનાવવામાં આવતું
નકલી દૂધનો કાળો કારોબાર કરનાર આરોપી રવિ કાળાભાઇ કરમટાના રહેણાંક મકાનના ફળિયામાં પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે દરોડો પાડ્યો ત્યાં નજારો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી, કારણ કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પામ ઓઈલ,સ્ટાર્ચ પાવડર અને યુરિયા જેવા કેમિકલ્સ મિક્સ કરીને નકલી દૂધ બનાવતો હતો.પોલીસે રેડ દરમિયાન સ્પોટ પરથી મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં 3120 કિલો જેટલું તૈયાર નકલી દૂધ,પામ ઓઈલનો જથ્થો,સ્ટાર્ચ પાવડર,તેમજ અમૂલ દૂધનો પાવડર અને ગેસ સિલિન્ડર સહિતની સાધન સામગ્રી મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રોજ આશરે પાંચથી છ હજાર લીટર નકલી દૂધ બનાવવામાં આવતું હતું.
તલાલા વિસ્તારની ડેરીઓમાં વહેચી નાખવામાં આવતું
જેમાં સવારે અઢીથી ત્રણ હજાર લીટર અને સાંજે અઢીથી ત્રણ હજાર લીટર નકલી દૂધ બનાવી તલાલા વિસ્તારની ડેરીઓમાં વહેચી નાખવામાં આવતું હતું. આરોપી દ્વારા પામ તેલ અને અજાણ્યા સફેદ પાવડરના મિશ્રણથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું.સ્થળ પરથી આ ભેળસેળયુક્ત દૂધ બનાવવા માટે વપરાતી અનેક સાધન-સામગ્રી અને કાચો માલ મળી આવ્યો હતો.હાલ ફૂડ વિભાગ દ્વારા. અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે અને દૂધનો જથ્થો તેમજ અન્ય દૂધ બનાવવામાં વપરતી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે નકલી દૂધ બનાવવા માટે કેમિકલ પાવડર સહિતની વસ્તુ ક્યાંથી ખરીદવામાં આવી.સૂત્રો માંથી જાણકારી મળી રહી છે કે તાલાલામાં પોલીસ દ્વારા નકલી દૂધ બનાવામાં વાપરતા પાવડર અને પદાથો જે દુકાનો પરથી ખરીદી કરાઈ હતી ત્યાં પણ પોલીસે હાલ દરોડા પાડ્યા છે