પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ફિલ્મી સીનને પણ પાછળ મુકી દે તેવા દ્રશ્યો રોડ પર જોવા મળ્યા હતાં. રોષે ભરાયેલી પોલીસે આરોપીઓની જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરી હતી.
View this post on Instagram
હજુ પણ મુખ્ય ખંડણીખોર શખ્સો પોલીસની પકડથી દૂર
રવિવારે ચાણસ્માના ઝીલિયા ખાતે થયેલા ગેંગવોરને લઈને વામૈયામાં ખંડણીખોર શખ્સોએ આતંક મચાવ્યો હતો. પોલીસની આ વાતની જાણ થતાં ત્યાં પહોંચી હતી પણ આ ખંડણીખોર લુખ્ખા તત્વોએ પોલીસ પર હુમલો કરતાં પોલીસ ત્યાંથી ઉભી પૂંછડિયે ભાગી ગઈ હતી. ખંડણીખોર શખ્સો તલવારો, ધારિયા સહિતના તિક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતાં. આ ઘટનામાં ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો હતો અને કેટલાક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં. પોલીસ વિભાગમાં આ બાબતનો રોષ હોવાથી આજે ઝડપાયેલા વામૈયાના 18 ખંડણીખોર શખ્સો પર રોષ ઠાલવ્યો હતો. હજુ પણ મુખ્ય ખંડણીખોર શખ્સો પોલીસની પકડથી દૂર છે.
લુખ્ખાઓની બરાબરની સરભરા કરી
આરોપીઓમાં પોલીસનો ડર રહે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે હેતુથી પોલીસે આજે ચાણસ્માના ભરચક બજારમાં આ તમામ આરોપીઓનું શરમજનક સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં આ લુખ્ખાઓની બરાબરની સરભરા કરી તેમની દાદાગીરી ઉતારી દીધી હતી. પોલીસના આ કડક વલણને જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હોવાનું માનવામાં આવે છે.