પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઉન ગામમાં આજે હોબાળો મચી જવા પામ્યો હતો. ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે ચાલી રહેલા વિવાદમાં વાત વણસી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે ઉન ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીકરીને પરત લાવવા માટે આજે ચૌધરી સમાજની સભા યોજાઈ હતી. જેમાં આક્રમક સંબોધન શરૂ થયું હતું. મોટો સંખ્યામાં લોકો ઉન ગામમાં પહોંચ્યા હતાં. ત્યાર બાદ મામલો બીચક્યો અને પથ્થરમારો તેમજ વાહનોમાં તોડફોડ શરૂ થઈ હતી. આક્ષેપ એવા થઈ રહ્યાં છે કે, સમગ્ર ઘટનામાં ચૌધરી સમાજના યુવકોએ વાહનો તોડ્યા હતાં.
વાહનોમાં થતી તોડફોડના વીડિયો વાયરલ
હાલમાં સોશિયલ મીડિયામાં વાહનોમાં થતી તોડફોડના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ લખાય છે ત્યારે લલકાર ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી. આ ઘટના બનતાં જ સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ઉન ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સામાજિક વિવાદને શાંત કરવા માટે સમાજના અગ્રણી દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. બીજી તરફ પોલીસે તોડફોડ કરનારા લોકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. કેટલાક લોકોએ સંબોધનમાં એવું પણ કહ્યું હતું કે, અમે તમારી દીકરી પરત આપી હવે અમારી દીકરીને પરત આપો. અમે હથિયાર હેઠા મુક્યા છે પણ ચાલવાનું ભૂલ્યા નથી. આ પ્રકારના સંબોધન બાદ મામલો વધુ ગરમ થયો હતો.