ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળના બંદર રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસમાં લાયસન્સમાં નામ બદલાવાની પ્રક્રિયા માટે લાંચ માંગવામાં આવતા ACBએ સફળ ટ્રેપ ગોઠવી એક વચેટિયાને રૂપિયા 10,000 લેતા રંગેહાથ ઝડપી લીધો છે.
ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી
જાગૃત નાગરિક હાસમ મુગાસરાએ મત્સ્યોદ્યોગ વિભાગમાં લાયસન્સમાં નામ બદલાવવા માટે અરજી કરી હતી. આ કામ કરી આપવા બદલ ફિશરીઝ વિભાગના અધિકારીના નામે એક વચેટિયાએ રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમરેલી ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ACB અમરેલીની ટીમે વેરાવળના બંદર રોડ પર ભીડિયા સર્કલ નજીક ટ્રેપ ગોઠવ્યો હતો.
ACBની ટીમે છટકામાં તેને રંગેહાથ ઝડપી લીધો
ફરિયાદી જ્યારે વચેટિયાને લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે ACBની ટીમે છટકામાં તેને રંગેહાથ ઝડપી લીધો. સ્થળ પરથી રૂપિયા 10,000ની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ફિશરીઝ વિભાગના કયા અધિકારીની સંડોવણી છે અને આ લાંચ પ્રકરણમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.આ ઘટના વેરાવળ બંદર વિસ્તારમાં ફેલાતા ભ્રષ્ટાચારી તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.