અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ 6E058 મદીનાથી હૈદરાબાદ તરફ જતી હતી. આ ફ્લાઈટમાં બોંબ હોવાનો મેઈલ હૈદરાબાદ સેન્ટરને મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ મક્કા મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહી હતી. આ ફ્લાઈટમાં બેઠેલા મોહમ્મદ નામના વ્યક્તિ એ કેપ્સુલ ખાઈ લીધી છે અને હ્યુમન બોંબ અટેક થશે એવી વિગત મળી હતી. આ પેસેન્જર હૈદરાબાદ જઈને બ્લાસ્ટ કરશે એવી વિગત મળી હતી. જેના પરિણામે ઈન્ડિગો ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી ધોરણે ઊતારી દેવામાં આવી હતી. હૈદરાબાદ ATCએ અમદાવાદ એરપોર્ટનો સંપર્ક કરતા આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
બપોરે 12 વાગ્યે લેન્ડ થઈ
ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં લેન્ડ થઈ હતી.આ ફ્લાઈટમાં 180થી વધારે પ્રવાસીઓ હતા. જેમાં 6 ક્રુ સ્ટાફ હતા. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, મક્કા મદીનાથી હૈદરાબાદ પ્રવાસ કરી રહેલા મોહમ્મદ નામના વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી. ઈમરજન્સી લેન્ડિંગ બાદ મોહમ્મદ નામના મુસાફરની તપાસ કરતા 40 અન્ય મુસાફરોનું નામ મોહમ્મદ હોવાનું જાણવા મળ્યું હતું. પછી તમામ પ્રવાસીઓની બેગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જરૂરી તપાસ બાદ આ ફ્લાઈટને હૈદરાબાદ ખાતે રવાના કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમે સમગ્ર ફ્લાઈટનું ચેકિંગ કર્યં હતું. પોલીસે 40 પ્રવાસીઓના નિવેદન લીધા હતા.

ઈન્ડિગોમાં ક્રુ સંકટ
ઈન્ડિગો ફ્લાઈટમાં ક્રુ સંકટને કારણે પરેશાન થવાનો વારો મુસાફરોનો આવ્યો છે. નવી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને બેંગ્લુરૂમાં મોટી સંખ્યામાં મુસાફરો ફ્લાઈટની બેદરકારીને કારણે હેરાન પરેશાન થયા હતા. ઈન્ડિગોની સમગ્ર દેશમાં 170થી વધારે ફ્લાઈટ રદ્દ થઈ છે. આ પહેલા મંગળવારે 200 જેટલી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી. બેંગલુરુમાં 42, દિલ્હીમાં 38, મુંબઈથી 33, હૈદરાબાદમાં 19, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, કોલકાતામાં 10 અને સુરતમાં 8 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના પરિણામે મોટી સંખ્યામાં મુસાફરો હેરાન પરેશાન થયા હતા. ખાસ કરીને વહેલી સવારે રવાના થતી ફ્લાઈટના મુસાફરો અટવાયા હતા.
મુસાફરો એ ઘેરાવો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર લોકોએ ઈન્ડિગોની ફ્લાઈટના કાઉન્ટરનો ઘરેવો કર્યો હતો. સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો. લોકો પોતાની ટિકિટના પૈસાની માગ કરી રહ્યા છે. જે ફ્લાઈટ ચાલું છે એ પણ લેટ છે. જેના કારણે ક્નેક્ટિંગ ફ્લાઈટ લઈ રહેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ અંગે એરલાઈન્સ કંપનીએ કહ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે વસ્તુ બની છે. 5 ડિસેમ્બર સુધીમાં બધુ જ વ્યવસ્થિત થઈ જશે.રાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ મેમ્બર્સની શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમો (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન)ના પાલનની સીધી અસર જે તે રૂટના ફ્લાઈટ ઑપરેશન પર થઈ રહી છે. જેની તકેદારી હવેથી રાખવામાં આવશે.