અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આવતા એક વર્ષમાં નાના મોટા નવ ફ્લાઈઓવર બ્રિજ તૈયાર થઈ જશે. સત્તાધાર ક્રોસિંગનો ફ્લાયઓવર ફેબ્રુઆરીમાં બની જશે. જ્યારે એલિસબ્રિજના સ્ટ્રેન્થનિંગનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. વાડજ જંક્શન પાસે તૈયાર થતો નવો ફ્લાયઓવર એપ્રિલ મહિનામાં શરૂ થશે. નરોડા પાટીયા પાસે શરૂ થતો ફ્લાય ઓવર ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થઈ જશે. વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરમાં રેલવે બ્રિજ સહિત કુલ 9 નવા બ્રિજ મળી જવાના છે. બ્રિજની આ યાદીમાં પંચવટીમાં તૈયાર થનારા બ્રિજનો પણ સમાવેશ થાય છે.

કોર્પોરેશનનું 1400 કરોડ રૂપિયાનું બજેટ
રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ ફ્લાય ઓવરબ્રિજ સહિત 82 થી વધુ બ્રિજ આવેલા છે.વર્ષ 2026માં હેબતપુરથી સાયન્સ સિટી રોડ, સત્તાધાર ક્રોસ સોડ પરના ફ્લાયઓવર બ્રિજ સાથે વાડજ જંક્શન પરનો ફ્લાયઓવર એક વર્ષમાં પૂર્ણ થાય એવા એંધાણ છે. આ સમગ્ર પ્રોજેક્ટને લઈને કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ બ્રિજના પ્રોજેક્ટ પાછળ કોર્પોરેશને 1400 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચિમનભાઈ પટેલ બ્રિજને સમાંતર આર.ટી.ઓ સર્કલથી સાબરમતી, ચાંદખેડા બાજુના રસ્તા પર સુભાષબ્રિજ તરફ વન ડાઉન રેમ્પથી નવો બ્રિજ લૉ ગાર્ડનથી પંચવટી જંક્શન સુધી બનશે. સી.એસ. વિદ્યાલય પાસે બે નવા બ્રિજ તૈયાર થશે.

નદી પર 10 બ્રિજની સંખ્યા
આ સમગ્ર પ્રોજેક્ટની ગણતરી કરીએ તો નદીની ઉપરના 10 બ્રિજ હશે, 23 રેલવે ઓવરબ્રિજ હશે, 19 રેલવે અંડરપાસ હશે. ચંદ્રભાગા ઉપર 2, ખારી નદી પર 2 તથા કેનાલ બોક્સ પર 7 બ્રિજ તૈયાર થશે. હાલમાં આ બ્રિજની કામગીરી ચાલું હોવાને કારણે રસ્તાઓ પાસે કટ મૂકવામાં આવ્યા છે. નવા બ્રિજ તૈયાર થતા ટ્રાફિકમાં થોડી રાહત મળી રહેશે. શહેરના જૂના વિસ્તારમાંથી આવતા નાગરિકોને વધુ એક ક્નેક્ટિવિટી મળી રહેશે. ખાસ કરીને દૈનિક ધોરણે વ્યાપાર-વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રાહત થશે. જોકે, સુભાષ બ્રિજ બંધ થતા ટ્રાફિક ભારણ વધી રહ્યું છે. બીજા બ્રિજ પર દૈનિક ધોરણે મોડે સુધી ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એવામાં નવા બ્રિજની ભેટથી નાગરિકોને વધુ સુખ સુવિધાઓ પ્રાપ્ય બનશે.