અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક ગીચતા અને નાગરિકોની દૈનિક અવરજવરમાં સર્જાતી અડચણોને દૂર કરવા કોર્પોરેશને પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલિત રીતે વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ અભ્યાસના આધારે શહેરના મહત્વના ચાર રસ્તાઓનું પુનઃડિઝાઇન, ટ્રાફિકના સરળ અને સુરક્ષિત પ્રવાહ માટે જરૂરી સુધારાત્મક પગલાં અંગે ચર્ચા થઈ હતી. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલિત કામગીરી અમલમાં મૂકવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર અવરોધરૂપ બને તેવી પરિસ્થિતિઓ દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આ કામગીરી અંતર્ગત જાહેર રસ્તા, સર્વિસ રોડ અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

જાહેર સ્થળોની તપાસ કરાઈ
શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ તથા અન્ય જાહેર સ્થળોની આસપાસ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરી સંબંધિત બિલ્ડિંગ માલિકો અને સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. GDCR મુજબ ફરજિયાત પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, “નો પાર્કિંગ ઝોન”માં નિયમભંગ સામે કાર્યવાહી કરવી તેમજ માર્ગો પર સ્પીડ બ્રેકર ધોરણ મુજબ બનાવવાની સૂચનાઓનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી હતી અને જાહેર રસ્તાઓ પરથી રખડતા પશુઓ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ટ્રાફિક ગીચતા ઘટાડવાના આ અભિયાનમાં AMCના વિવિધ ઝોન જેમ કે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ યોજાઈ હતી.
કાયદેસરની કાર્યવાહી કરાઈ
તા. 18 ડિસેમ્બરે સ્વામિનારાયણ પાર્ક રોડ (શેલ્બી ચાર રસ્તાથી નરોડા GEB સુધી), નિકોલ મોર્ડન રોડ, ખારીકટ કેનાલ રોડ, વસ્ત્રાલ મેટ્રો રૂટ, ડમરૂ સર્કલથી કારગીલ રોડ, જજીસ બંગલો રોડ, માલાબાર રોડ, કેશવબાગ રોડ, ગોલ્ડન ટ્રાઈએન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડનથી અંડરપાસ અને રેલ્વે લાઈન સુધી, ગોલ્ડન ટ્રાઈએન્ગલથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ નારણપુરા, અંકુર અને શાસ્ત્રીનગર ચાર રસ્તા તેમજ ઇસ્કોનથી પી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પરિણામે 18 ડિસેમ્બરે શહેરના જાહેર માર્ગો પરથી કુલ 47 લોખંડના કાઉન્ટર તેમજ છતવાળી અને બંધ કવરવાળી લારીઓ દૂર કરી જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ 163 ગેરકાયદેસર જાહેરાતના હોર્ડિંગ્સ, બોર્ડ અને બેનર્સ, 113 વાંસ/વળી/તાડપત્રી અને 418 જેટલો અન્ય પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર રસ્તાની બાજુમાં બનાવાયેલા 21 કાચા શેડ ખુલ્લા કરી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ટ્રાફિકમાં અડચણરૂપ બનેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ રૂ. 43,700/- દંડની વસુલાત કરવામાં આવી હતી.

દબાણ દૂર કરાયા
તે જ રીતે 19 ડિસેમ્બરે ખોડીયાર નગરથી પીપળજ રૂટ, મીઠાખળી છ રસ્તાથી લો ગાર્ડન, રન્ના પાકડ રોડ, શારદાનગર રોડ, ડમરૂ સર્કલથી કારગીલ રોડ, માનસી ક્રોસ રોડ (પકવાનથી જજીઝ બંગલો રોડ), સોનીની ચાલીથી ઓઢવ BRTS રોડ, મનમોહન ક્રોસ રોડ, નિકોલ, જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાક માર્કેટ, ગીતા મંદિર બસ સ્ટેશન, કાલપુર શાક તથા ફ્રુટ માર્કેટ, કાલપુર, ભદ્ર પરિસર, ગાભા બજાર, નમસ્તે સર્કલ, ઇસ્કોનથી ઉજાલા સર્કલ તેમજ પી સર્કલથી પ્રહલાદનગર–કેન્યગુ ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 19 ડિસેમ્બરની કાર્યવાહી દરમિયાન લોખંડના કાઉન્ટર/છતવાળી/બંધ કવરવાળી લારીઓ 116, જાહેરાતના હોર્ડિંગ્સ–બોર્ડ–બેનર્સ 228, વાંસ/વળી/તાડપત્રી 159 તથા અન્ય પરચુરણ માલ સામાન 895 મળી કુલ 1,398 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ જાહેર રસ્તાની બાજુમાં બનાવાયેલા 34 કાચા શેડ ખુલ્લા કરવામાં આવ્યા હતા.
120,000નો દંડ વસુલાયો
આ ઉપરાંત જાહેર રસ્તા અને ફૂટપાથ પર ટ્રાફિકમાં અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો, દબાણો તથા બિનઅધિકૃત જાહેરાતો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રૂ. 1,20,000/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઝોનવાઈઝ કામગીરીમાં કુલ 148 સ્થળોએ કાર્યવાહી, 140 વાહનો સામે પગલાં અને 1,147 જેટલો વિવિધ પ્રકારનો માલસામાન જપ્ત થયો હતો. આ સમગ્ર અભિયાન દરમિયાન શહેરભરમાંથી કુલ રૂ. 2,35,600/- દંડની વસુલાત નોંધાઈ હતી. આ સાથે બિલ્ડિંગ માલિકો અને સંચાલકોને તેમના મહેમાનોના વાહનો બિલ્ડિંગની અંદર ઉપલબ્ધ પાર્કિંગ જગ્યામાં જ પાર્ક કરાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જાહેર રસ્તા પર પાર્કિંગ ન થવા દેવાની જવાબદારી સંબંધિત સંચાલકોની રહેશે. આ દિશામાં શહેરના સાત ઝોનમાં કુલ 76 રસ્તાઓ પર વેલેટ પાર્કિંગ અને રોડ પર પાર્કિંગ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમભંગ બદલ કુલ 305 નોટિસો જારી કરવામાં આવી હતી.