Ahmedabad Crime અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે મુની આશ્રમ નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક પલટી જતા પ્યાસીઓએ લૂંટ ચલાવી હતી. અકસ્માતના પગલે દારૂની બોટલ લેવા માટે પ્યાસીઓએ પડાપડી કરી હતી. આ ટ્રક રાજસ્થાન પાસિંગનો હોવાનું જાણવા મળ્યું છે. મુની આશ્રમ રોડ પરથી પસાર થતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટતા જ દારૂની પેટીઓ તૂટી ગઈ અને બોટલ છૂટી થઈ ગઈ. રસ્તા પરથી દારૂની બોટલ લેવા માટે પ્યાસીઓએ પડાપડી કરી હતી. દારૂની બોટલને રસ્તા પર જોઈને લોકો એકઠા થઈ ગયા હતા.

રાજસ્થાન પાસિંગનો ટ્રક
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ભીડને દૂર કરીને સ્થિતિ કાબુમાં લીધી અને ટ્રક અંગે તપાસ કરી. રોડ પરનો મુદ્દામાલ કબ્જે કરવા માટે પોલીસે પગલાં લીધા હતા.આ સમગ્ર ઘટના મુદ્દે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, રાજસ્થાન પાસિંગની દારૂ ભરેલી ટ્રક પલટાઈ ગઈ હતી. પોલીસને જાણ થતાં જ ટીમ દોડી હતી. આ ટ્રક કડીથી સાણંદ બાજું આવતી હોવાની વિગત મળી છે.એ સમયે બમ્પ પરથી ઊતરતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. કેટલી બોટલ હતી અને કેટલો મુદ્દામાલ છે એ અંગે ગણતરી ચાલું છે. આ સ્ટોક કોણે મંગાવ્યો હતો એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

ક્યાં ડિલેવરી આપવાની હતી
દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો અને ક્યાં ડિલેવરી આપવાની હતી એ અંગે પોલીસ તપાસ ચાલું છે. પોલીસે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ ચાલું કરી દીધી છે. જોકે, 31 મી ડિસેમ્બર નજીક આવતા પોલીસે જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું છે. લિકરની હેરફેર પર ખાસ વૉચ રાખવામાં આવી રહી છે. આ પહેલા પણ પોલીસે અન્ય રાજ્યમાંથી આવતી દારૂની ટ્રક અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારૂની ટ્રક અમદાવાદ સુધી આવતા ફરીવાર ચેકિંગ અને સુરક્ષા મુદ્દે સવાલ ચર્ચાય રહ્યા છે. પોલીસે પણ જુદા-જુદા એન્ટ્રી પોઈન્ટ પર ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશતા રસ્તાઓ પર ખાસ વૉચ રાખવામાં આવી રહી છે.