Ahmedabad Crime: રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને જોરશોરથી રાજનીતિ થઈ રહી છે. એક તરફ રાજ્યમાંથી ગાંજાનું મોટી સંખ્યામાં વાવેતર ઝડપાય છે તો બીજી તરફ આ જ ગાંજાને વેચવા માટે શખ્સો નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ ચેટ અને મનોરંજન માટે થતો હોય છે. નશાનો વેપલો કરનારા શખ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી રીતે કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં એક શખ્સે સ્નેપચેટના ઉપયોગથી ગાંજો વેચીને પોલીસને પણ ચોંકાવી દીધી હતી.
પોલીસે એક શખ્સની ધરપકડ કરી
નારણપુરા, શાસ્ત્રીનગર બ્રિજની બાજુમાં આવેલા શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં શંકાસ્પદ વ્યક્તિની જડતી તપાસ દરમિયાન આ પ્રવૃત્તિનો પર્દાફાશ થયો. શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સના ફ્લેટ ખાતે રહેતા ભરતસિંહ ગોહિલને પકડી પાડવામાં આવ્યો.એના કબજામાંથી વગર પાસ-પરમિટનો ગેરકાયદેસર હાઇબ્રીડ ગાંજાનો જથ્થો 422 ગ્રામ 740 મિલીગ્રામ જપ્ત કરવામાં આવ્યો છે.આ જથ્થાની કિંમત આશરે ₹ 14,79,590/- છે, અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹ 14,84,590/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સ્નેપચેટથી ઓર્ડર થતો
આરોપીની કાર્યપ્રણાલી મુજબ,તે સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો. ગાંજાના જથ્થાના નાણાંની ચુકવણી આંગડિયા મારફતે થતી હતી. આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ S.O.G. ક્રાઇમને કેસ સોંપવા માટે પગલાં લેવામાં આવ્યા છે. આ પહેલા પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી કાચબાનું વેચાણ કરતા શખ્સોની ટોળકી પકડી પાડી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને ડીલ કરવામાં આવતી હતી. .બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી ગાંજાની ખેતી કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાનું કુલ વજન 198.190 કિલોગ્રામ હતું, જેની બજાર કિંમત ₹99,09,500/- આંકવામાં આવી છે.
ગાંજાના બીજની સપ્લાય
ખેતરના માલિક અને મુખ્ય આરોપી અજીતસિંહ બારડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંજાના બીજ સપ્લાય કરનાર સહિત અન્ય 3 આરોપીઓ પોલીસની પકડથી હજું ફરાર છે. આ જથ્થો ‘વ્યાવસાયિક જથ્થામાં આવતો હોવાથી આરોપીઓ સામે NDPS એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, ગાંજાનું વાવેતર કરવું ગેરકાયદેસર છે. આટલી મોટી સંખ્યમાં બીજ તથા ગાંજો આવ્યો ક્યાંથી એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.