અમદાવાદઃ બાળકોમાં વધી રહેલી જંકફૂડની પસંદગી પર અંકુશ મૂકવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આયોજન કર્યું છે. જંકફૂડને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. બાળકોને જંકફૂડની અસરથી બચાવવા માટે લંચબોક્સમાં નો જંકફૂડ કેમ્પેઈન શરૂ કરવામાં આવશે. જેમાં શહેરની 1500થી વધારે સ્કૂલના 2 લાખ બાળકોને આવરી લેવામાં આવશે.વાલીઓને આ માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. વાલીઓની સગવડતા માટે બાળકોને જરૂરી પોષકતત્વ વાળો (Ahmedabad School) ખોરાક આપવામાં અપીલ કરાઈ છે.

તબીબોની મદદ લેવાશે
અમદાવાદ શહેરના ડાયટિશિયન અને બાળકોના તબીબની ખાસ મદદ લેવામાં આવશે. વાલીઓને ઓનલાઈન માર્ગદર્શન મળે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વાલીઓને ફૂડ સંબંધીત માર્ગદર્શન મળી રહે અને બાળકોને પણ જંકફૂડની પસંદગી છોડાવી શકાય. બાળકોની ખાવા-પીવાની ટેવને સુધારવા માટે સ્કૂલ દ્વારા પણ જરૂરી પગલાં લેવા અનિવાર્ય છે. મોટાભાગની સ્કૂલમાં પેકેજ્ડ ફૂડ પર ચુસ્ત પ્રતિબંધ છે એવામાં જંકફૂડ પર કોઈ ખાસ પ્રતિબંધ નથી. આ મુદ્દાની નોંધ લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નો જંકફૂડ મિશન શરૂ કરાશે. બાળક કોઈ જંકફૂડ લાવશે તો હવે સ્કૂલ પર કાર્યવાહી થશે ત્યાં સુધીના પગલાં લેવાશે.

સ્કૂલ સંચાલોની ભાગીદાર અનિવાર્ય
બાળકોને જંકફૂડથી દૂર રાખવા અને જંકફૂડ છોડાવવા સંચાલકોએ પણ આ મિશનમાં ભાગીદાર થવું પડશે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફઇક રીસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર 10થી 15 વર્ષના શાળાએ જતા બાળકો અઠવાડિયામાં 3થી 4 વખત જંકફૂડ ખાય છે. જેથી મેદસ્વીતાનું પ્રમાણ વધે છે. 50 સ્કૂલના 2526 વિદ્યાર્થીઓ વચ્ચે આ અભ્યાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર ફાસ્ટફૂડથી બાળકોને થતા નુકસાન અંગે વાલીઓને પણ સમજ આપવામાં આવશે તો વાલીઓ જાગૃત થશે.આ બાળકોના આરોગ્ય સાથે જોડાયેલો વિષય છે. સ્કૂલને જ્યાં પણ મુંઝવણ થશે ત્યાં અમે હાજર છીએ. નાની ઉંમરમાં બાળકોમાં વધી રહેલા મેદસ્વીપણાને દૂર કરવા માટે સ્કૂલમાંથી જ પગલાં લેવાના શરૂ થયા છે. ખાસ કરીને બાળકો રીસેસમાં શું ખાય છે એના પર ફોક્સ કરીને આ નો જંક્ફૂડ મિશન શરૂ કરવામાં આવશે. જેને લઈને સ્કૂલ સંચાલકોએ પણ પૂરતું ધ્યાન આપવું પડશે. નાનપણથી જ બાળકોને પોષકતત્ત્વો મળી રહે એ માટે રાગી મિશન ઉપર પણ ફોક્સ કરવામાં આવી રહ્યું છે.