અમદાવાદમાં થોડા સમય પહેલા જ સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. હવે આવો પણ ભયાનક બનાવ સામે આવ્યો છે. શહેરના મણિનગર વિસ્તારની દુર્ગા સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી દીધી હતી. વિદ્યાર્થીએ આ પાણી પીધું હતું. ત્યાર બાદ તબિયત લથડવાની અણી પર હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલમાં સ્કૂલ દ્વારા આ ગોળીઓ નાંખનાર વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવાની ના પાડવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાને 10 દિવસ સુધી શિક્ષણ અધિકારીથી વંચિત રાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
દુર્ગા સ્કૂલને શો કોઝ નોટીસ ફટકારીને જવાબ માંગ્યો
જિલ્લા શિક્ષણ અધિકારીએ દુર્ગા સ્કૂલને શો કોઝ નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે.દુર્ગા સ્કૂલમાં ધોરણ.6માં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી. જેની અદાવત રાખીને એક વિદ્યાર્થીએ 23 જાન્યુઆરીએ રિસેસ દરમિયાન સાથી મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી દીધી હતી.ભોગ બનનાર વિદ્યાર્થીએ જેવું બોટલમાંથી પાણી પીધું કે તરત જ તેને વિચિત્ર ગંધ આવતા તે અટકી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં પાણી પેટમાં જવાથી શાળા સંચાલકોએ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.શાળા સંચાલકોને ક્લાસરૂમના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી રહ્યો હતો.
સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી
આ સમગ્ર મામલે દુર્ગા સ્કૂલના સંચાલકોએ આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.સ્કૂલ સંચાલકો દ્વારા 10 દિવસ સુધી જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી નહોતી. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સામેથી સ્કૂલનો સંપર્ક કરી અને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર બાબત સામે આવી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા દુર્ગા સ્કૂલ સંચાલકો સામે પણ સવાલ ઊભા થયા છે.જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દુર્ગા સ્કૂલમાં બાળક દ્વારા રિસેસ દરમિયાન વિદ્યાર્થીની બોટલમાં કોઈ કેમિકલની ગોળી નાખી દીધી હતી.આ ગંભીર ઘટના બાબતે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જેને લઇને સ્કૂલને શો – નોટિસ ફટકારવામાં આવી છે.