અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોશ ગણાતા જજીસ બંગલો વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. આ વિસ્તારમાં સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. લગ્નના માત્ર બે મહિનાના સમયગાળામાં જ દંપતી વચ્ચે પારિવારિક ઝગડો ઉભો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. પતિએ પત્નીને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ પતિએ પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અચાનક કોઈ કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર ઝગડો થયો
અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં રહેતા ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમની પત્ની NRI ટાવરમાં રહેતા હતાં. ગત મોડી રાત્રે અચાનક કોઈ કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા યશરાજ ગોહિલે પત્ની પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં જ પત્ની ઢળી પડી હતી. ત્યાર બાદ યશરાજે 108ને જાણ કરી હતી. 108ની ટીમ પહોંચતા તેના તબિબોએ તપાસીને પત્નીને મૃત જાહેર કરી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નીકળ્યો ત્યારે યશરાજે પણ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યશરાજ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો અને ક્લાસ વન અધિકારી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.