અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ પાસે ડિમોલિશન થયા બાદ જુદા-જુદા વિસ્તારમાં ઝુંબેશરૂપે શહેરને દબાણમુક્ત કરવા કામગીરી થઈ રહી છે. ઈસનપુરમાં મેગા ડિમોલિશન થયા બાદ હવે સાબરમતી વિસ્તારમાં 24.0 મીટર પહોળાઈ નો ટી.પી.રોડ ખુલ્લો કરવા માટે બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં રહેણાંક અને દુકાનોને તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસ ટીમની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી છે.

દબાણમુક્ત અમદાવાદ
શહેરમાં ગેરકાયદે બનાવેલા બાંધકામને તોડી પાડવા માટે કોર્પોરેશને રીતસરની ઝુંબેશ ઉઠાવી છે. જેમાં જુદા જુદા વિસ્તારમાં નીતિ-નિયમ વિના સરકારી જમીન પર બનેલા મકાન તથા દુકાન-ઓટલાને તોડી પાડી જમીન ખુલ્લી કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. શનિવારે સવારથી સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમથી નજીક પતરાના શેડવાળા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. ચારથી પાંચ બુલ્ડોઝરની મદદથી મકાન તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

બળદેવનગરના 29 મકાન જમીનદોસ્ત કરાયા
મોટેરા સ્ટેડિયમ પાસે બળદેવનગરના 29 મકાનને જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ તથા પોલીસ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પણ કોર્ટે અરજી નકારી દેતા એક્શન લેવાયું છે.

નવા રોડ પરથી સીધા એક્વાટિક સ્ટેડિયમ પહોંચાશે
નવો ખુલ્લો કરવામાં આવેલો ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખુલશે. સ્ટેડિયમથી ડાયરેક્ટ બીજા વેન્યૂ માટેની ક્નેક્ટિવિટીથી કોમવેલ્થ વખતે પણ ફાયદો થશે.