અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોને જાણો કાયદો અને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. શહેરમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચની નજીકમાં જ હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે બે યુવકો વચ્ચે ગેમ રમવા બાબતે થયેલી માથાકૂટની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ શહેરમાં ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 કલાક પોલીસની હાજરી હોય છે ત્યાં જ નજીકમાં ગઈકાલે મોડી રાત્રે હત્યાનો ખેલ ખલાયો હતો. બે યુવકો વચ્ચે ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું અને છેવટે તેની અદાવત રાખીને યુવક પર હુમલો કરી છરીના ઘા મારીને રહેંસી નાંખવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. જમાલપુરમાં રહેતા જયેશ ઓડ દ્વારા તેની પાડોશમાં રહેતા લાલો રાઠોડ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.