અમદાવાદઃ આગામી થર્ટી ફર્સ્ટને લઇને અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન (31 December) તૈયાર કરવામાં આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં યોજાતી પાર્ટીઓ પર પોલીસ બાજ નજર રાખશે. આવી પાર્ટીમાં દારૂ, ડ્રગ્સ કે નશાનું સેવન ન કરે તે માટે પોલીસે પોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા છે. નવા વર્ષની ઉજવણીમાં બે હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે. જે પાર્ટી આયોજકોએ મંજૂરી લીધી નહિ હોય ત્યાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. શહેરની અડીને આવેલા રિંગ રોડ પરના ફાર્મ હાઉસો,ખાનગી પાર્ટી પ્લોટો પર વિશેષ નજર રાખવામાં આવશે. ખાસ કરીને અન્ય શહેર કે જિલ્લાના રાજ્યમાંથી આવતા વાહનો ઉપર પણ ખાસ વૉચ રાખવામાં આવશે.

પોલીસ ટુકડીને વિશેષ કામગીરી સોંપાઈ
શહેરના અલગ અલગ વિસ્તારમાં એસઓજી, એફએસએલ દ્વારા સલાઇવા કીટ દ્વારા ચેકિંગ કરાશે. જ્યારે 500 થી વધુ બોડી વોર્ન કેમેરા, 300થી વધુ બ્રેથ એનીલાઇઝરનો વિવિધ પોઈન્ટ પર ઉપયોગ કરવામાં આવશે. આ સાથે શહેરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટને લઇને સીજીરોડ, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષને મનાવવા ઉમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં ટ્રાફિકજામ કે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ટીમ તૈનાત રહેશે. રોમીયો ગીરી કરતા યુવકો સામે કાર્યવાહી કરાશે. સી.જી.રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રસ્તા પર 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી રાત્રીના 3 વાગ્યા સુધી બંધ રહેશે.

સિંધુભવન રોડ પરનો રસ્તો બંધ
સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીનો રસ્તો રાતના 8થી 3 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીનો રસ્તો તથા સર્વિસ લેન 7 વાગ્યાથી રાત્રીના 3 વાગ્યા સુધી વાહન પાર્કિંગ માટે બંધ રહેશે. નહેરૂનગર સર્કલથી લઈ શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી ખાનગી બસ પાર્ક કરી શકાશે નહીં. વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. 31 ડિસેમ્બર જ નહીં ઉત્તરાયણના તહેવારને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાહેર રસ્તા પર પતંગ ચગાવવા અને પકડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 1થી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ રહેશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.