અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળતા દૂર-દૂર સુધી ધુમાંડા જોવા મળ્યા છે. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નારોલ-નરોડા હાઇવે પર સ્થિત વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગે જોતજોતામાં 18 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગની શરૂઆત કોમ્પ્લેક્સની 5 દુકાનમાંથી થઈ હતી. જે પછીથી પ્રસરી હતી.
આગમાં અનેક વસ્તુઓ બળીને ખાખ
જોકે, ટૂંક સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે તે બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. આગ માત્ર 2 કલાકમાં કુલ 18 દુકાનો સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે લાખોનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે 6 જેટલાં ફાયર ફાઇટર વાહનોની મદદથી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આગ અન્યભાગમાં ફેલાતી અટકી
સ્થાનિકો અને દુકાનદારોના જણાવ્યા મુજબ, ફાયર ફાઇટર્સને આગ પર કાબૂ મેળવવામાં ઘણા કલાકો લાગ્યા હતા, કારણ કે આગ ખૂબ જ તીવ્ર હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગોમાં ફેલાતી અટકી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી. આગ લાગતાં જ કોમ્પ્લેક્સમાં હાજર લોકો અને દુકાનદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, દુકાનદારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે.