અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. લાઈન તટતા જ પાંચેક ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. આ બ્રિજ બનતો હતો ત્યારથી લોકો આ પ્રકારની રજૂઆત કરી રહ્યા હતાં. પરંતુ કહેવાતી સ્માર્ટ સિટીના મહાનગર દ્વારા કોઈની રજૂઆતને ધ્યાને લેવાઈ નહોતી. હવે છેલ્લા ત્રણ દિવસથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થવાથી પાણીનો વેડફાટ થતો હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.
તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની
હાટકેશ્વર બ્રિજની કામગીરીને કારણે સતત ત્રણ દિવસથી પીવાના ચોખ્ખા પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. જેના કારણે આજે પાંચેક ફૂટ સુધી ઉંચા ફૂવારા ઉડતા જોવા મળ્યા હતાં. આ પાણીનો રેલો સીટીએમ માર્ગ સુધી પહોંચી ગટરમાં વહી ગયો હતો. આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું હોય અને ચોમાસા જેવા દૃશ્યો સર્જાયા હતા. બે દિવસ પહેલા પણ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું હતું. આજે ફરીવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ થયો છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે યોગ્ય સંકલન નહીં હોવાથી લાખો લીટર પાણી માર્ગ પર વહી ગયું છે.