આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. સોમનાથથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં એક સમયે વડાપ્રધાન મોદીએ આંદોલન કર્યું હતું. હવે તે જ ગ્રાઉન્ડમાં તેઓ જંગી જાહેર સભાને સંબોધન કરશે. નાયબ મુખ્યમંત્રીએ સોમનાથમાં વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવશ્યક સંજોગો સિવાય રજા નહીં આપવા સૂચના
પોલીસ વડાની કચેરી દ્વારા પોલીસકર્મીઓની રજાઓ રદ કરી દેવાનો આદેશ જાહેર કરાયો છે. રાજ્યના પોલીસ કર્મીઓની 12મી જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ કરી દેવાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓની પણ રજાઓ રદ કરાઈ છે. આવશ્યક સંજોગો સિવાય રજા નહીં આપવા સૂચના આપવામાં આવી છે.
3500 જેટલા પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન 3500 જેટલા પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વડાપ્રધાન મોદી સોમનાથમાં રોડ શો પણ કરવાના છે. રાજ્યમાં નવા ઈન્ચાર્જ ડીજીપી કે.એલ.એન. રાવ દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રજાઓ રદ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.