અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાના (AMC) બજેટને લઈને કોંગ્રેસે સુધારા સાથે પોતાનું વિકલ્પ બજેટ રજૂ કર્યું છે. કોંગ્રેસે કુલ 922 કરોડ રૂપિયાના વધારા સાથે સામાન્ય નાગરિકોને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ માટે ફાળવણી કરવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, શાસક પક્ષે અંતિમ બજેટમાં સામાન્ય માણસની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ અને રજૂ કરાયેલા સૂચનોને ગંભીરતાથી વિચારવા જોઈએ.
કોંગ્રેસનો મોટો દાવો
કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ ફાળવણી શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં સુધારો અને સામાન્ય નાગરિકોને સીધી અસર કરતી સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે શાસક પક્ષ કોંગ્રેસના આ સૂચનોને અંતિમ બજેટમાં કેટલું સ્થાન આપે છે અને કેટલા મુદ્દાઓને સ્વીકારવામાં આવે છે. શહેરના વિકાસને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં બજેટ ચર્ચા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.
કોંગ્રેસે મૂકેલા મુખ્ય પ્રસ્તાવોની યાદી
શહેરમાં 24 કલાક પ્રેશર પાણી સુવિધા માટે – 100 કરોડ રૂપિયા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સુવિધા મજબૂત કરવા – 100 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટ પર ‘મિરેકલ ગાર્ડન’ વિકાસ માટે – 50 કરોડ રૂપિયા, દરેક વિસ્તારમાં આઇકોનિક રોડ વિકાસ માટે – 50 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટ પર નવી શાળા નિર્માણ માટે – 20 કરોડ રૂપિયા, હાઈટેક લાયબ્રેરી સ્થાપવા માટે – 15 કરોડ રૂપિયા, દરેક વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે – 10 કરોડ રૂપિયા,
શહેરના તમામ ચાર રસ્તાઓ પર CCTV કેમેરા માટે – 10 કરોડ રૂપિયા, સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ માટે – 20 કરોડ રૂપિયા, પાણી પ્રદૂષણ ઘટાડવા માટે – 50 કરોડ રૂપિયા, તમામ સ્ટ્રીટ લાઈટ્સ પર સોલર સિસ્ટમ માટે – 25 કરોડ રૂપિયા, અમદાવાદની સંસ્કૃતિ અને વારસો બચાવવા માટે – 50 કરોડ રૂપિયા, ધાર્મિક સ્થળોના વિકાસ માટે – 50 કરોડ રૂપિયા, શહેરના તળાવોના વિકાસ માટે – 50 કરોડ રૂપિયા, વી.એસ. હોસ્પિટલના વિકાસ માટે – 200 કરોડ રૂપિયા, સ્કૂલ બોર્ડના બજેટમાં વધારાના – 69 કરોડ રૂપિયા ફાળવવા માટેની માગ કરી છે.

વાહવાહી લૂંટવા રજૂ કરાયું
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બજેટ સામાન્ય નાગરિકોની સુખાકારી માટે હોવું જોઈએ, પરંતુ હાલનું બજેટ “વાહવાહી લૂંટવા” માટે રજૂ કરવામાં આવ્યું છે. ‘કોમનવેલ્થ’ જેવા નામો અને મોટા પ્રોજેક્ટોના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય માણસની પ્રાથમિક જરૂરિયાતોને અવગણવામાં આવી રહી છે. વિપક્ષનો આક્ષેપ છે કે સરકાર 24 કલાક શુદ્ધ પાણી આપવાની વાત કરે છે, પરંતુ અનેક વિસ્તારોમાં લોકોને એક કલાક પૂરતું પણ પાણી મળતું નથી. શહેરમાં ગુણવત્તાસભર રસ્તાઓ ઉપલબ્ધ નથી, જ્યારે બીજી તરફ “આઇકોનિક રોડ” જેવી જાહેરાતો કરવામાં આવે છે.
સુવિધાનો અભાવ
કોંગ્રેસે જણાવ્યું કે “બેગરલેસ શહેર”ના દાવા છતાં સુવિધાઓના અભાવે અનેક લોકોના મોત થયાની ઘટનાઓ સામે આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ – પાણી, રસ્તા, આરોગ્ય અને આવાસ – પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. વિપક્ષે ભાજપ શાસનકાળમાં AMC પર અનેક કૌભાંડોનો આરોપ પણ મૂક્યો છે. ભરતી પ્રક્રિયા, ગાર્ડન વિકાસ, હાઉસિંગ યોજનાઓ અને સ્મશાન માટેના લાકડાંની ખરીદી જેવા મુદ્દાઓમાં ગેરરીતિઓ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.