અમદાવાદઃ ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કૉમ્પ્લેક્સમાં લાગેલી આગના પગલે અમદાવાદમાં પણ કોર્પોરેશને તપાસના ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં BU પરમિશન વગરની હોસ્પિટલને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં BU પરમિશન વગરની કુલ 9 જેટલી હોસ્પિટલ સીલ મારી દેવામાં આવી છે. ભાવનગરમાં લાગેલી આગના પગલે અમદાવાદ એસ્ટેટ વિભાગ યુદ્ધના ધોરણે એક્ટિવ થતા કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા એક્શન લેવાતા અન્ય હોસ્પિટલના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

9 હોસ્પિટલને સીલ કરી નોટીસ
અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં BU પરમિશન વગર ધમધમતી 9 હોસ્પિટલને સીલ કરીને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ અનુસાર બીજી અન્ય સુવિધાનો પણ અભાવ હોવાને કારણે આ નોટિસ આપવામાં આવી છે.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે હોસ્પિટલ પર પહોંચી ત્યારે સંચાલકો દસ્તાવેજ રજૂ ન કરી શકતા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં એસ્ટેટ વિભાગની ટીમે ઈમ્પેક્ટ ફી ભરવા અંગે પણ સૂચના આપી હતી. શહેરના દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે તપાસ કરીને હોસ્પિટલ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

કઈ કઈ હોસ્પિટલ સીલ થઈ
સરખેજ વિસ્તારમાં આવેલી દેવપુષ્પ મેટરનીટી નર્સિંગ હોમ, મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ ગુલમહોર સોસાયટી, નૌશીન હોસ્પિટલ મક્તમપુરા, જુહાપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, વિશાલા સર્કલ પાસે હેપ્પીનેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ, સાઉથ બોપલમાં સફલ હોસ્પિટલ, મમતા હોસ્પિટલ, આસના ઓર્થો. હોસ્પિટલ, દ્વારિકા હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં જે મિલકત માલિકે BU પરમિશન નહીં લીધી હોય, નિયમાનુંસાર બાંધકામ નહીં હોય એવા શૈક્ષણિક સંકુલ તથા મલ્ટિપ્લેક્સ જેવા એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે. જોકે, ભાવનગરમાં બનેલી આગની ઘટનાને પગલે તંત્ર સફાળું જાગી ગયું છે.