અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન આ વખતે બુધવારે કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ કમિટીનાં એજન્ડાની ચર્ચા મિડીયા સાથે કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌપ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે. અમદાવાદ મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, તે અંતર્ગત બોર્ડમાં હવે પછીથી ડિજીટલ ઇન્ડિયાનાં ભાગરૂપે સમગ્ર કાર્યવાહી પેપરલેસ થશે. તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો બોર્ડનાં મેમ્બર્સને અને 300 જેટલી નકલો કોર્પોરેટરોના ઘરે મોકલવામાં આવે છે અને જેનો સભામાં ઉપયોગ થાય છે.

ડિજિટલ ઈન્ડિયાનો અભિગમ
આ સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વિઝન હેઠળ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહનાં નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતનું પ્રથમ શહેર બનશે, જ્યાં સમગ્ર બોર્ડને ડિજીટલ સ્વરૂપે પેપરલેસ ચલાવવામાં આવશે. જે માટે બોર્ડમાં કોર્પોરેટરની બેઠકો પર ટેબલેટ મૂકવામાં આવશે. પરિણામે AMCના એજન્ડાનું વાંચન ટેબલેટ દ્વારા કરી શકાશે. AMCનો આ નિર્ણય કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને પેપરનો બચાવ કરવા તેમજ પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્યથી લેવાયો છે. આ રીતે વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે મહાનગરપાલિકાની પણ પ્રગતિની તાકીદ રહેશે કે આપણું બોર્ડ પણ પેપરલેસ ડિજીટલ યુક્ત બનશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વિધાનસભા બાદ કોર્પોરેશન પણ ડિજિટલ
ગુજરાત વિધાનસભા સંપૂર્ણપણે ડિજિટલ બન્યા બાદ અમદાવાદ કોર્પોરેશન પણ ડિજિટલ બની છે. જેમાં હવે જે તે પ્રોજેક્ટની પીડીએફમાં જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત 483 જેટલી સ્કૂલો તેમજ ગાંધીનગર લોકસભાની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો તરીકે સ્થાપિત કરાઇ છે. હવે પૂર્વ અને પશ્ચિમ લોકસભાની મોટાભાગની 90 ટકા સ્કૂલો સ્માર્ટ સ્કૂલો થઇ ગઇ છે. આ સ્કૂલોમાં ગણિત અને વિજ્ઞાનની પ્રયોગશાળા, રિડિંગ માટે આધુનિક ક્લાસરૂમ, તેમજ સ્કૂલની તમામ દિવાલો પર 3ડી પ્રિન્ટિગ અને ક્લાસ બોર્ડ મૂકાયાં છે. આ તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 1 લાખ 80 હજાર જેટલા તમામ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.