અમદાવાદમાં સરકારી આવાસોમાં પીજી ચલાવવાનો મામલો સામે આવતા જ તંત્ર દોડતુ થયું હતું અને મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એએમસી દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલા 50 જેટલા પીજીને અચાનક સીલ કરી દેવાયા હતાં. શહેરમાં ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારમાં ચાલી રહેલા પીજીમાં અનેક નોકરિયાત યુવક યુવતીઓ રહેતા હતાં. તેઓ રાત્રે જ્યારે પરત ફર્યા ત્યારે દરવાજા પર સીલ મારેલુ જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રાત્રે ક્યાં રોકાવું તેવા સવાલ સાથે જ આખું ટોળુ રોષે ભરાયુ હતું. તેમણે રેલી યોજીને તંત્ર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતાં.
NOC સહિતના કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા
વિરોધ કરી રહેલા લોકોનું કહેવું હતું કે, ફાયર સેફ્ટિ સહિતના નિયમોનું પાલન કરવું જોઈએ પણ અચાનક સીલ મારી દેવાથી યુવતીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થઈ ગયા છે. રાતના સમયે સુરક્ષિત રહેવાની કોઈ જગ્યા નહીં હોવાથી તંત્રમાં કેટલી માનવતા છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. રાત્રે સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે મકાનોમાં પીજી ચાલે છે તેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જો તેમની પાસે પીજી ચલાવવા માટેના પુરાવા હોય તો તે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સંચાલકોએ BU પરમિશન અને ફાયર NOC સહિતના વિવિધ મુદ્દે કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કર્યા નહોતા.