બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની કારે એક યુવકને અડફેટે લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, જ્યારે કાર અકસ્માત થયો ત્યારે સાંસદ ગેનીબેન ગાડીમાં હાજર હતાં અને તેમના માણસો દ્વારા ઘટના સ્થળે લેવામાં આવેલા વીડિયો મોબાઈલમાંથી ડિલિટ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે પાલનપુર ડીસા હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.
બીજા દિવસે હોસ્પિટલમાં યુવક પાસે આવ્યા હતાં
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકના પરિવારે જણાવ્યું હતું કે, યુવકને ટક્કર વાગ્યા બાદ તે બેભાન થયો હતો. સાંસદના માણસો ગાડીમાંથી ઉતર્યા ત્યારે લોકોએ વીડિયો ઉતાર્યા હતાં. આ દરમિયાન ગેનીબેને વીડિયો ડીલિટ કરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતાં. તેઓ બીજા દિવસે હોસ્પિટલમાં યુવક પાસે આવ્યા હતાં. ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ કહ્યું હતું કે, વ્યવસ્થિત સારવાર મળે અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ કરી છે. સાંસદ તરફથી અકસ્માત સમયે કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે અમે આગળની કાર્યવાહી કરીશું.