ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસા ચાલુ છે. તા. 18 ડિસેમ્બરની હિંસા બાદ એવું લાગતું હતું કે, બાંગ્લાદેશમાં હિંસાનો દોર થંભી જશે પરંતુ, તા.19 ડિસેમ્બરે પણ બાંગ્લાદેશમાં હિંસા ચાલું રહી હતી. ઉદીચી શિલ્પી ગોષ્ઠીની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી અને ત્યારબાદ તેને આગને હવાલે કરી દેવામાં આવી. રાજધાની ઢાકામાં ઉસ્માન હાદીની દફનવિધિ કરવામાં આવશે. તે પહેલાં જનાજાની નમાજ અદા કરવામાં આવશે. ઉસ્માન હાદીના મોત પર બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે આજે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે, આ સાથે જ જનાજામાં વધુમાં વધુ લોકોને સામેલ થવાની અપીલ કરવામાં આવી છે. જોકે, સુરક્ષા કર્મીઓએ દેખાવકારોની ધરપકડ કરવાની શરૂ કરી દીધી છે.

બે મીડિયા હાઉસને આગચંપી
બાંગ્લાદેશ હવે ‘જિહાદિસ્તાન’બનવાના માર્ગે નીકળી પડ્યું છે. આખા દેશમાં જિહાદીઓનું વર્ચસ્વ છે, રસ્તાઓ પર જિહાદીઓનો કબજો છે, ત્યાં જિહાદીઓ જેવું ઈચ્છે છે યુનુસ સરકાર પણ તેવું જ કરી રહી છે.શેખ હસીના વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોના મુખ્ય નેતા ઉસ્માન હાદીના સમર્થકો મોડેથી યોજાનારી તેમની અંતિમયાત્રામાં જોડાવા માટે માનિક મિયાં એવન્યુ પહોંચવા લાગ્યા. ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ ફેલાઈ ગઈ છે અને રાજધાની ઢાકામાં બે અખબારોની ઓફિસોને આગ ચાંપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં સ્વતંત્ર પત્રકારત્વના ઈતિહાસમાં એક કાળો અધ્યાય ત્યારે જોડાયો, જ્યારે રાજધાની ઢાકામાં દેશના બે સૌથી મોટા અખબારો અંગ્રેજી ‘ધ ડેલી સ્ટાર’ અને બાંગ્લા દૈનિક ‘પ્રોથોમ આલો’ ની ઓફિસો પર ટોળાએ હુમલો કર્યો. આગજની, તોડફોડ, લૂંટફાટ અને પત્રકારોને કલાકો સુધી બંધક જેવી સ્થિતિમાં રાખનારી આ હિંસાએ માત્ર મીડિયાની સુરક્ષા જ નહીં, પરંતુ અભિવ્યક્તિની આઝાદી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

તણાવપૂર્ણ સ્થિતિ
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. વિદ્યાર્થી અને યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દેશમાં વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. ઢાકા યુનિવર્સિટીમાં શેખ મુજીબના નામ પર બનેલા હોલનું નામ બદલીને ઉસ્માન હાદીના નામ પર રાખવાની માંગ ઉઠી છે. એટલે કે કટ્ટરપંથીઓ હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કરતા પણ એક ઝેરીલા માણસને મોટા માની રહ્યા છે. સમગ્ર ઢાકા સિટીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશના તણાવગ્રસ્ત માહોલમાં ફરી એકવાર એમની સરકાર સામે સુરક્ષાના સવાલો ઊભા થયા છે.