અમદાવાદઃ એસ.જી. હાઈવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આજે 27 ડિસેમ્બરના રોજ ભગવા સેનાના કેટલાક કાર્યકરો મોલમાં ધસી આવ્યા હતા અને નાતાલની સજાવટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ ત્યાં લગાવેલા વિશાળ ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરી હતી અને તાત્કાલિક ડેકોરેશન હટાવવાની માંગ કરી હતી. ઘટનાને પગલે ગભરાટ ફેલાતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખસેડ્યા છે.
હિન્દુ સંગઠને કર્યો વિરોધ
25 થી 31 ડિસેમ્બરના તહેવારોને લઈ મોલમાં કરવામાં આવેલી ભવ્ય સજાવટ સામે હિન્દુ સંગઠને લાલ આંખ કરી છે. ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં ધસી જઈ ક્રિસમસ ટ્રી અને શાંતાક્લોઝના પૂતળાઓને તોડી નાંખ્યા હતા. મોલના સિક્યુરિટી ગાર્ડ્સ કંઈ સમજે તે પહેલા જ કાર્યકરોએ તોડફોડ શરૂ કરી દેતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન અને ભગવા સેના દ્વારા સ્કૂલોમાં થતી ક્રિસમસની ઉજવણી અને રજાઓને લઈને ત્રણ દિવસ પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલમાં કરવામાં આવતી ઉજવણી પણ બંધ કરવા અંગે પણ ચિમકી ઉચ્ચારી હતી.

કોઈ એકધર્મને લઈ વિરોધ નથી
ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું હતું કે, જો કોઈ તહેવારની ઉજવણી જ કરવી હોય તો બધાય તહેવારની કરવામાં આવે. હિન્દુ સંસ્કૃતિને નુકસાન હાલ પહોંચાડવામાં આવી રહ્યું છે, અમારો કોઈ જ ધર્મને લઈને વિરોધ નથી પણ એક જ ધર્મને પ્રાધાન્ય આપવામાં આવે એ ખોટું છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે. મોલમાં હિન્દુ ધર્મના તહેવારને ઓછું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઉજવણીનું આયોજન કરવું હોય તો અમારી માંગ છે કે, તમામ તહેવારની ઉજવણીના સરખા આયોજન કરવામાં આવે છે. જોકે, મોલમાં તોડફોડ થતા મોલના મેનેજરો તથા વેપારીઓનો કાફલો મોલમાં દોડી ગયો હતો. પોલીસને જાણ કરાતા પોલીસે ભગવા સેનાના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે, અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોઈ ડ્રિંક અને ડ્રાઈવ કે ડ્રગ્સનો કેસ ન બને એ માટે દરેક એન્ટ્રી પોઈન્ટ પર સઘન તપાસ ચાલું કરી દેવામાં આવી છે.