ભાવનગરઃ ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગને લઈને મોટો ખુલાસો થયો છે. પાર્કિગમાં લાગેલી આગ ઉપરના ફ્લોર સુધી પ્રસરતા આગે વિકરાળ રૂપ લીધું હતું. આગની શરૂઆત પાર્કિગમાંથી થઈ હતી. જે પાણીની ટાંકી અને મોટર સુધી પ્રસરતા મહત્ત્વની વસ્તુઓ ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાના સમયે કોમ્પ્લેક્સમાં રહેલા આગ ઠારવાના સાધનો કામે આવ્યા ન હતા. જેના કારણે આગે વિકારળ રૂપ લઈ લીધું હતું.
ફાયર સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ
ફાયર સિસ્ટમ નિષ્ક્રિય થવાને કારણે આગ ઝડપથી ચોથા માળ સુધી પ્રસરી હતી. જેથી આસપાસમાં રહેતા સ્થાનિકો તથા હોસ્પિટલના દર્દીઓના જીવ પણ પડીકે બંધાયા હતા. રાહત થાય એવી વાત એ છે કે, કોમ્પ્લેક્સના કેટલાક લોકોએ ફાયર સેફ્ટિની ટ્રેનિંગ અગાઉ લીધી હતી. જે અહીંયા કામ આવી ગઈ હતી. સમયસૂચકતા વાપરીને ફાયરની ટીમ આવે એ પહેલા જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે લોકોએ મદદ શરૂ કરી દીધી હતી.ફાયર સેફ્ટિના સાધન નિષ્ક્રિય થવા પાછળનું કારણ શોધવા માટે હવે તપાસ હાથ ધરવામાં આવશે. આવી બેદરકારી સામે પગલાં પણ લેવાઈ શકે છે. આગ લાગી ત્યારે લોબીમાં ખૂબ જ ધુમાડો હતો.

ડૉક્ટરની કેબિનમાં બારી ખુલી હતી
દોડધામ કરી રહેલા દર્દીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરની કેબિનમાં જઈને જોયું ત્યારે ત્યાં એક બારી ખુલી હતી. એ સમયે ત્યાં સ્ટાફના બેથી ત્રણ લોકો ઊભા હતા. રેસ્ક્યૂ ઑપરેશનમાં રહેલા સ્ટાફે પૂરતી કાળજી રાખીને નવજાત શિશુઓને બહાર કાઢ્યા હતા. જેને પછીથી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાંથી ધુમાડા નીકળતા હતા. 108ની ટીમને જાણ કરતા જ યુદ્ધના ધોરણે વાન દોડી આવી હતી. વાનના ડ્રાઈવર ધનશ્યામ ભાઈએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને ભીડને કંટ્રોલ કરી હતી.