ભાવનગરઃ ભરતનગર મેમણ કોલોની પાસે ગેરકાયદે દબાણ મુદ્દે મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ હાઉસિંગ બોર્ડની તરફેણમાં ચૂકાદો આવ્યા બાદ કોર્પોરેશને ડિમોલિશન કરી બુલડોઝર ફેરવ્યું હતું. ભાવનગરમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા તો છેલ્લા ઘણા સમયથી શહેરમાં ઓપરેશન ડિમોલિશન કરી સરકારી જમીન ખુલ્લી કરવા કામગીરી શરૂ કરી છે.
મસ્જિદ પર બુલડોઝર ફર્યું
છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવતા કોર્પોરેશને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે પગલાં લીધા છે. જેમાં મસ્જિદ ૫૨ બુલડોઝર ફેરવ્યું હતું. ભરતનગર મેમણ કોલોની પાસે અંદાજે 20 થી 25 વર્ષ પૂર્વે મસ્જિદનું ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે અગાઉ નોટિસ આપી હતી,પરંતુ મામલો કોર્ટ સુધી પહોંચતા કામગીરી થઈ ન હતી. ગુજરાત હાઇકોર્ટમાં આ વિષયને લઈ બે કેસ શરૂ હતા. હાઇકોર્ટ દ્વારા પણ મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા હુકમ કરતા કોર્ટનો હુકમ ત્રણ મહિના પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની તરફેણમાં આવ્યો હતો.ગેરકાયદેસર મસ્જિદનું 2000 સ્કવેર ફૂટ બાંધકામ હટાવતા અંદાજે 100 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જોકે, હજુ મસ્જિદનું અડધુ જ બાંધકામ હટાવવામાં આવ્યું હતું.