ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદ પર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેસર તાલુકાના ઉગલવાણ ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન, ઢોર માર અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત કમલેશ ચુડાસમાના જણાવ્યા મુજબ, તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને કોઈ અરજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યારે નીતિનભાઈ નામના જમાદારે તેને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો.
સાવરકુંડલા પોલીસ સામે જેસરના યુવકનો ગંભીર આક્ષેપ
યુવકનો આક્ષેપ છે કે કોઈપણ કારણ વગર કે પૂછપરછ કર્યા વગર તેની સાથે ગાળાગાળી શરૂ કરવામાં આવી હતી અને તેને હેન્ટર વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કમલેશે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “મને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે જે હવે મારાથી સહન થતો નથી.હું નિર્દોષ હોવા છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે.” માર માર્યા બાદ પોલીસકર્મીએ યુવકને મોઢું બંધ રાખવા માટે ધમકાવ્યો હોવાનો પણ આક્ષેપ છે. પીડિતના જણાવ્યા અનુસાર, તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાતની ક્યાંય પણ ફરિયાદ કરશે, તો તેને ઘરેથી ઉઠાવી જઈ રસ્તામાં તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવશે. આ ધમકીને કારણે યુવક અને તેનો પરિવાર હાલ ભારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે.