ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી હતી. બોરતળાવ પોલીસે હત્યાના પાંચ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
પાંચેય શખ્સોએ છરીથી સાહિલને રહેંસી નાંખ્યો હતો
પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા સાહિત સૈયદની નજીવી બાબતે હત્યા કરી દેવાઈ હતી. મોડી રાત્રે માત્ર એક એક્ટિવા નહીં આપવાના કારણે પાંચ લોકોએ સાહિલ સાથે માથાકૂટ કરી હતી. આ માથાકૂટ દરમિયાન મામલો વધુ બિચકતાં પાંચેય શખ્સોએ છરીથી સાહિલને રહેંસી નાંખ્યો હતો. ત્યાર બાદ તેના પર ધોકા લઈને તૂટી પડ્યા હતાં. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બોરતળાવ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હત્યાના પાંચેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં. પોલીસે પાંચેય આરોપીઓ નદીમભાઈ મનસુરભાઈ સોરઠીયા, સલીમભાઈ કાસમભાઈ સોરઠીયા, સાહીલભાઈ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીકભાઈ સલીમભાઈ સોરઠીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની તપાસમાં એવો ખુલાસો થયો હતો કે, આરોપી નદીમે સાહિલ પાસે એક્ટિવા માગ્યું હતું. જેથી તેણે ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઝગડો થયો હતો અને તે હત્યામાં ફેરવાયો હતો.