રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે, જેના કારણે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું
કચ્છના નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13.4, ડીસામાં 11, ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 13.6, ભુજમાં 11.4, કંડલામાં 10.7, રાજકોટમાં 11.4 અને પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.છેલ્લા કેટલાંક વર્ષોમાં ગુજરાતની સિઝનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડે છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.ડિસેમ્બર-2024ની તુલનામાં ડિસેમ્બર-2025 દરમિયાન નલિયામાં માત્ર ચાર વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે, જ્યારે ગત વર્ષે આ આંકડો 22 વખત નોંધાયો હતો.
હવામાન પેટર્નમાં સતત બદલાવ
રાજ્યના હવામાન પેટર્નમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાતની ત્રણેય સિઝનમાં અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ રહી છે.સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડક ઠંડીનો પ્રભાવ જોવા મળે છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની તુલનામાં ઠંડી નબળી રહી છે.શિયાળાની વચ્ચે પણ ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. આ બદલાવનું ઉદાહરણ કચ્છના નલિયામાં નોંધાયેલા તાપમાનના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે, જ્યાં ગત વર્ષે ડિસેમ્બરમાં વારંવાર 10 ડિગ્રીથી નીચે તાપમાન પહોંચ્યું હતું, જ્યારે આ વર્ષે આવું બહુ ઓછી વખત નોંધાયું છે.