રાજકોટઃ રાજકોટના હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કામગીરી શરૂ કરી દીધી છે. જેને લઈ ગુરૂવારે જામનગરની કસ્ટમ વિભાગની ટીમે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં કાર્ગોના કાઉન્ટર સહિત અન્ય સુવિધાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પછી જે તે સંબંધિત અધિકારીઓને સૂચન આપવામાં આવ્યા હતા. કસ્ટમ વિભાગની ટીમે સમીક્ષા કર્યા બાદ હવે ઈમિગ્રેશન માટેની ટીમ મુલાકાત લે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજકોટ-દુબઈ માટેની ફ્લાઈટ શરૂ કરવા માગ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય એવું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકો ઈચ્છે છે. ઈન્ડગો એરલાઈન્સે આ માટે તૈયારી પણ દર્શાવી હતી, પરંતુ કસ્ટમ વિભાગે પાસેથી કોઈ મંજૂરી કે ક્લિયરન્સ ન હોવાથી એ શક્ય બન્યું નથી. આ રૂટની તૈયારીઓના ભાગરૂપે કસ્ટમ વિભાગ દ્વારા હજુ ક્યાં કાર્ગોની વ્યવસ્થા છે, પાર્સલ પોઈન્ટને લઈ જરૂરી એવા ક્યાં સુધારા-વધારાની જરૂર છે. આ રૂટમાં શું ખૂટે છે તે અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ઈમિગ્રેશનની ટીમ એરપોર્ટ ખાતે સરવેની કામગીરી પૂર્ણ કરી ગઈ છે પણ આ અંગે હજુ સુધી કોઈ બાબત નક્કી કરાઈ નથી. જેથી આવનારા ટૂંકગાળામાં રાજકોટથી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરે એવું લાગતું નથી.

રાજકોટથી ચીનની ફ્લાઈટ
આ પહેલા પણ રાજકોટથી ચીન માટે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા માટે સત્તાવાર પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જોકે, આને મંજૂરી મળશે કે નહીં એ પણ હજું સ્પષ્ટ નથી. આ શક્ય બન્યુ તો રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સપ્ટેમ્બર-2023થી શરૂ થયાના બે વર્ષ બાદ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાનનો આરંભ કરશે. હકીકત એવી પણ છે કે, ઈમિગ્રેશનની મંજૂરી અને વ્યવસ્થા વગર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શક્ય નથી.