નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભીષણ ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાહનવ્યવહાર અને રેલવે સેવા પર માઠી અસર પડી છે. એક તરફ પ્રદૂષણનો સ્તર (AQI)’ગંભીર’ શ્રેણીમાં યથાવત છે, તો બીજી તરફ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. વહેલી સવારે ધુમ્મસને કારણે વાહનોની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી રહી છે. જ્યારે મોડી રાત્રે ધુમ્મસ તથા પ્રદૂષણના કારણે આગળનું દ્રશ્ય જોવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

રેલવે સેવા પર માઠી અસર:
ધુમ્મસની સૌથી વધુ અસર રેલવે પર જોવા મળી રહી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે લગભગ 100 જેટલી ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. આ ઉપરાંત, કેટલીક ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટ્રેનો મોડી પડવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.ખાસ કરીને દિલ્હીથી ડાઈવર્ટ થતી કે પહોંચતી ટ્રેન વિલંબથી દોડી રહી છે. દિલ્હીથી રવાના થતી ટ્રેન પણ વિલંબથી દોડી રહી છે.

એરપોર્ટની સ્થિતિ સામાન્ય:
રેલવેની સરખામણીએ દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ નિયંત્રણમાં છે. એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ ઓપરેશન્સ સામાન્ય રીતે ચાલી રહ્યા છે અને વિમાનોના ટેક-ઓફ કે લેન્ડિંગમાં કોઈ મોટી સમસ્યા સર્જાઈ નથી. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે તેમનો સ્ટાફ મુસાફરોની સહાયતા માટે સતત કાર્યરત છે. જોકે, મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઈટના લેટેસ્ટ અપડેટ માટે સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરે. જોકે, દિલ્હીથી ટેકઓફ થનારી ફ્લાઈટ પણ ઝીરો વિઝિબિલિટીને કારણે વિલંબથી દોડી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ, 8 ફ્લાઇટ્સ રદ અને 13 મોડી
ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ગાઢ ધુમ્મસની ગંભીર અસર હવે અમદાવાદના હવાઈ વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી અમદાવાદમાં ઓછી વિઝિબિલિટીને કારણે એરપોર્ટ પર ભારે અરાજકતા સર્જાઈ હતી. ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને ઉતરાણ કરતી કુલ ૮ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૧૩ જેટલી ફ્લાઇટ્સ તેના નિયત સમય કરતાં મોડી પડી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સના મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે
વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી: ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વહેલી સવારે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી નોંધાઈ હતી. રસ્તાઓ પર ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના મતે આગામી થોડા દિવસો સુધી ઠંડી અને ધુમ્મસનું આ જોર યથાવત રહી શકે છે.