ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર હાલ Nora Fatehi અને Sanjay Duttનું ગીત ‘સરકે ચુનર તેરી’ ચર્ચાનો વિષય બન્યું છે.જોકે, આ ચર્ચા ગીતની લોકપ્રિયતા કરતાં તેમાં દર્શાવવામાં આવેલા અશ્લીલ તત્ત્વો અને તેના વિરોધને કારણે વધુ થઈ રહી છે. ભારે વિવાદ અને દબાણ વચ્ચે નિર્માતાઓએ આ ગીતનું હિન્દી વર્ઝન સત્તાવાર પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે. આ ગીત KD – The Devil ફિલ્મનું આઇટમ સોંગ છે જેમાં નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ અને ગીતના શબ્દોને લઈને ભારે આક્ષેપો થયા છે. અનેક લોકોના મતે, ગીતના શબ્દો અભદ્ર છે અને તે સમાજમાં નકારાત્મક સંદેશ ફેલાવે છે.
સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે
આ મામલે National Human Rights Commissionએ પણ નોંધ લઈ નોટિસ પાઠવી છે. એક સામાજિક કાર્યકર દ્વારા પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આ ગીત યુવાઓ પર ખોટી અસર કરી શકે છે.આ ગીતનું માત્ર હિન્દી વર્ઝન જ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી અન્ય ભાષાઓમાં આ ગીત હજુ પણ ઉપલબ્ધ છે.આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને આ પગલાને ભેદભાવભર્યું ગણાવી રહ્યા છે.ઉપરાંત, Central Board of Film Certification પાસે પણ ગીત સાથે સંકળાયેલા સર્જકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
આ પ્રકારના ગીતો સંગીતના સ્તરને નુકસાન પહોંચાડે છે
આ વિવાદમાં અનેક જાણીતા લોકો પણ જોડાયા છે.ગાયક Armaan Malikએ આ પ્રકારના ગીતો સંગીતના સ્તરને નુકસાન પહોંચાડે છે એવી ટિપ્પણી કરી હતી.જ્યારે પૂર્વ ક્રિકેટર Harbhajan Singhએ પણ સોશિયલ મીડિયા પર આ ગીતને લઈને વ્યંગાત્મક પ્રતિક્રિયા આપી હતી.જોકે, આટલી મોટી ચર્ચા છતાં હજુ સુધી નોરા ફતેહી કે સંજય દત્ત તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. બીજી તરફ, નોરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગીતના પ્રમોશનલ પોસ્ટ્સ દૂર કરી દીધા છે. હાલ યૂટ્યુબ પર આ ગીત શોધતાં “કન્ટેન્ટ ઉપલબ્ધ નથી” એવો સંદેશ જોવા મળે છે. આ સમગ્ર મામલાએ ફરી એકવાર મનોરંજન ક્ષેત્રમાં સામગ્રીની મર્યાદા અને જવાબદારી અંગે ચર્ચા શરૂ કરી છે.