બગોદરાઃ ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે દૂધીનો હલવો ખાધા બાદ 170 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ તમામ લોકોને 108 મારફતે યુદ્ધના ધોરણે સરકારી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા.આરોગ્ય વિભાગે ફૂડ સેમ્પલ લઈને વધુ કામગીરી શરૂ કરી દીધી છે. લગ્ન પ્રસંગે 1000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.બપોરના સમયે જમણવાર કરવામાં આવ્યો હતો. ચાર વાગ્યા આસપાસ લોકોની તબિયત એકાએક બગડતા પેટમાં દુખાવો થયો હતો. કેટલાક લોકોને ઝાડા-ઊલટી થતાં પરિસ્થિતિ વણસી હતી. ધીમે-ધીમે અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થતાં 108ની મદદ લેવામાં આવી હતી.
170 લોકોને અસર
મોડી રાત સુધીમાં 170 જેટલા લોકોને અસર થતાં ફૂડ પોઈઝન થયું હોવાનું ખુલ્યું હતું. લગ્ન પ્રસંગ જ્યાં યોજાયો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. દૂધીનો હલવો ખાધા બાદ આ અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતાં ધોળકા, બાવળા, વટામણ તથા કવિઠા સહિતના વિસ્તારમાં દસથી વધારે 108 વાન મદદ માટે દોડી હતી. ધોળકાની સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેતું ખસેડાયા હતા. જિલ્લા આરોગ્ય સહિત 25 ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108માં જ લોકોની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓએ પણ તપાસ શરૂ કરી દીધી હતી.
ફૂડના નમૂના લેવાયા
પ્રસંગમાંથી ફૂડના નમૂના લેવામાં આવ્યા છે. નમૂનાની તપાસ કરવામાં આવશે. એ પછી રીપોર્ટ તૈયાર કરાશે. સમગ્ર કેસ અંગે ધારાસભ્ય કિરિટસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, જે લોકોને અસર થઈ છે એમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે. જે લોકો જમણવાર બાદ ઘરે ગયા હતા એમને પણ અસર થઈ હતી. આવા લોકોને પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ લોકોને સારવારની જરૂર હશે તો એમની પણ સારવાર કરવામાં આવશે. જમણવારમાં લીધેલા ફૂડને કારણે આ ફૂડ પોઈઝનિંગ થયું છે. હોસ્પિટલમાં આ તમામ અસરગ્રસ્તની સારવાર કરવામાં આવી રહી છે. તેઓ સ્વસ્થ થાય એ માટે તબીબોએ પણ યુદ્ધના ધોરણે ઉપચાર શરૂ કર્યો છે. થોડા સમય માટે હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી. સારવાર માટે આવતા આ અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે બેડ ફાડવીને ટ્રિટમેન્ટ કરવામાં આવી છે.