ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 કેસ એક્ટિવ હોવાની પુષ્ટી કરી છે. આરોગ્ય તંત્રની ટીમો દોડતી થઈ છે ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. પિંડારડા ગામના એક વ્યક્તિનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પશુપાલન સાથે સંકળાયેલો એક યુવક અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. હવે આ યુવકને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય તંત્રના અધિકારીઓ પિંડારડા દોડી ગયા
ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય અને પશુપાલન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ટાઈફોઈડની સાથે સાથે કોંગો ફિવરની પણ એન્ટ્રી થતાં સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કોંગો ફિવરનો આ પ્રથમ કેસ હોવાનું જાણવા મળ્યું છે.પિંડારડામાં 26 વર્ષનો એક યુવક છેલ્લા અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. તેનામાં કોંગો ફિવરના લક્ષણો હોવાનું જાણવા મળતાં જ તેના સેમ્પલ લઈને ટેસ્ટ માટે પુના મોકલવામાં આવ્યા હતાં. જ્યાં આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય તંત્રના અધિકારીઓ પિંડારડા દોડી ગયા હતાં.