ગાંધીનગરમાં સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસ બહાર એક અરજદારે અચાનક આપઘાત કરવાનો પ્રયાસ કરતાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મકસુદ ગુલઝારે ગળામાં બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ તરત દોડી આવ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ મકસુદ ગુલઝાર કોઈ વ્યક્તિગત કામ અંગે રજૂઆત કરવા સચિવાલયમાં આવ્યા હતા.આ દરમિયાન અચાનક તેમણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી આકસ્મિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તબીબો મુજબ તેની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજદારનો પોતાના સમાજના એક વ્યક્તિ સાથે અંદરોઅંદર વિવાદ ચાલતો હતો અને તે જ મુદ્દે રજૂઆત કરવા સચિવાલય આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર તે માનસિક રીતે અસ્વસ્થ જણાતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.