રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી હતી કે, હવેથી કોઈપણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. બીજી તરફ ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગર પાલિકાના કમિશ્નરોને કડક સૂચનાઓ આપી હતી. સરકારે ટ્રાફિક સમસ્યા અને બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તતડાવી નાંખ્યા હોવાની જાણકારી સામે આવી હતી.
સરકારે હવે આ બધી બાબતોમાં કડકાઈ ભર્યા આદેશો કર્યા
મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ચોખ્ખી સૂચના આપી હતી કે, તેઓ ઓફિસમાંથી બહાર નીકળીને રસ્તા પર ઉતરે અને ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કરી તેનો ઉકેલ લાવે. મુખ્યમંત્રીએ કડકપણે અધિકારીઓને કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં તમારા વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ અંગે રિપોર્ટ સોંપવામાં નહીં આવે તો શો કોઝ નોટીસ ફટકારાશે. અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગની સુવિધાઓને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોલીસ માત્ર ઈ મેમો અને હેલ્મેટના દંડ લેવામાં વ્યસ્ત હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરકારે હવે આ બધી બાબતોમાં કડકાઈ ભર્યા આદેશો કર્યા છે.