ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપેન્દ્રસિંહે પોતાના નિવાસસ્થાને પંખે લટકીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.મૃતક ઉપેન્દ્રસિંહ 16 જાન્યુઆરીથી રજા પર હતા.આપઘાત પાછળનું કારણ હાલમાં અકબંધ છે.
પોલીસ દ્વારા મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી લેવાયો
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી લેવાયો છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.ગઈકાલે ભરુચમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરના પોતાના રૂમમાં પંખા સાથે લટકી આપઘાત કર્યો હતો.
આપઘાતની ઘટનાઓને લઈ સમગ્ર પોલીસ વિભાગમાં ચિંતા
આ ઘટનામાં પણ આપઘાતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSO દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. એક પછી એક પોલીસ કર્મચારીઓ સાથે બનતી આવી ઘટનાઓને લઈ સમગ્ર પોલીસ વિભાગમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.