વિશ્વમાં ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રુડ અને ગેસ સપ્લાયમાં અસ્થિરતા વધી રહી છે. ગેસની અછત દેશમાં સૌથી વધુ પ્રભાવી મુદ્દો બન્યો છે. જેની વચ્ચે ગુજરાત વિધાનસભામાં ઈંધણ અને ગેસને લઈને ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષ દરમિયાન પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને પીએનજી પર રાજ્ય સરકારને કેટલી આવક થઈ છે. આ સવાલના જવાબમાં રાજ્ય સરકારે આવકના આંકડા રજૂ કર્યા હતાં.
ડીઝલ પર 14.9% વેટ અને 4% સેસ
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર વસૂલાયેલા વેરાથી ગુજરાતને કુલ રૂ.41,593 કરોડ જેટલી મોટી આવક થઈ છે. વર્તમાન વેરા માળખા પર નજર કરીએ તો પેટ્રોલ પર 13.7% વેટ સાથે 4% સેસ લાગુ પડે છે, જ્યારે ડીઝલ પર 14.9% વેટ અને 4% સેસ વસૂલવામાં આવે છે.બીજી તરફ, સીએનજી અને પીએનજી માટે સામાન્ય રીતે 15% વેટનો દર છે,પરંતુ ગ્રાહકોને રાહત આપવા માટે 10% સુધીની છૂટ આપવામાં આવે છે, જેના કારણે અસરકારક વેરો માત્ર 5% રહે છે.
પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરા મોટી આવક
જો કોમર્શિયલ વપરાશની વાત કરીએ તો સીએનજી (હોલસેલ) અને પીએનજી (કોમર્શિયલ) પર સંપૂર્ણ 15% વેટ વસૂલવામાં આવે છે. ઉપરાંત, આંતરરાજ્ય વેચાણમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો 2% સીએસટી લાગુ પડે છે.આ સમગ્ર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરા રાજ્ય માટે આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે. સાથે જ, વધતા વૈશ્વિક તણાવ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં આવનારા સમયમાં વધુ પડકારો ઊભા થવાની શક્યતા પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.