ગુજરાત ATSએ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં મોટી કાર્યવાહી કરતાં મેફેડ્રોન ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન કરતી ફેક્ટરીનો ભંડાફોડ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે અગાઉ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી શફાત અહેમદ ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી, જેના પાસેથી 4.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે ATSએ તપાસ આગળ વધારી હતી. ત્યારબાદ સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ બાદ મહત્વના ખુલાસા થયા હતા.તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હતા. નાના શેડ બનાવી ત્યાં મેફેડ્રોનનું પ્રોડક્શન કરવામાં આવતું હતું.
એક ખેતરમાં રેડ કરવામાં આવી હતી
ATSની તપાસમાં પંકજ અને કપિલ નામના આરોપીઓ સુધી કડી પહોંચી હતી, જેમણે અમદાવાદમાં 300 ગ્રામ ડ્રગ્સ સપ્લાય કર્યો હતો. બંને આરોપીઓ વારંવાર યુપીના આંબેડકર નગર જિલ્લામાં આવજાવ કરતા હોવાને કારણે ATSએ ત્યાં સુધી તપાસ પહોંચાડી.ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, યુપી પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી દરમિયાન રામનગર ગામમાં આવેલા એક ખેતરમાં રેડ કરવામાં આવી હતી. ત્યાં ત્રણ નાના શેડમાં ડ્રગ્સનું ઉત્પાદન ચાલી રહ્યું હતું.પ્રાથમિક તપાસ મુજબ, આ ફેક્ટરી છેલ્લા 3 થી 4 મહિનાથી ચાલુ હતી. અહીં બનાવવામાં આવતું ડ્રગ્સ ક્યાં અને કેવી રીતે સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.