રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવતા હવે કુલ દવાઓની સંખ્યા 1386થી વધીને 1479 થઈ ગઈ છે. સમીક્ષા દરમિયાન 57 બિનજરૂરી દવાઓને યાદીમાંથી દૂર પણ કરવામાં આવી છે.
દર વર્ષે એસેન્સિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે છે
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક દર્દીને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એસેન્સિયલ ડ્રગ લિસ્ટની સમીક્ષા કરવામાં આવે છે, જેથી નવી અને અસરકારક દવાઓનો સમાવેશ થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા આ યાદીમાં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ આઈટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. યાદી મુજબ પ્રાથમિક કક્ષાની 378, સેકન્ડરી કક્ષાની 620 અને ટર્સરી કક્ષાની 1475 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ
મુખ્ય રોગોની સારવાર માટે પણ દવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. એન્ટી-ઇન્ફેક્ટિવ દવાઓ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58 અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓ ૫રથી વધારીને 56 કરવામાં આવી છે. જ્યારે મેડિકલ ડિવાઈસીસની સંખ્યા 287થી વધારીને 349 સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત હૃદયરોગની 116, કેન્સરની 56, ન્યુરોલોજીકલ ડિસોર્ડર્સની 75 અને માનસિક રોગોની 43 દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડ્રગ્સ ફોર્મ્યુલરીને અદ્યતન બનાવી દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.