તાજેતરમાં ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. જેમાં લગ્નપ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઠાકોર સમાજના આ બંધારણને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. હવે ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં ડીજેનો મુદ્દો આ મહાસંમેલનમાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. લોકગાયક વિક્રમ ઠાકોરે ગેનીબેનને રજૂઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું રાજકારણમાં જોડાઈશ અને ક્યારે જોડાઈશ તે હજી નક્કી નથી.
ઠાકોર સમાજના સંમેલનમાં DJનો મુદ્દો ચર્ચાઓ
વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ડીજે સંચાલકોના ઘર ડીજેના આધારે જ ચાલે છે. તમે કોઈ રસ્તો કાઢો તો એમના પરિવારનું ગુજરાન ચાલે. ગેનીબેને વિક્રમ ઠાકોરની રજૂઆત અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સમાજનું બંધારણ મેં નથી બનાવ્યું. ઉત્તર ગુજરાતના સમાજના લોકોએ ભેગા થઈને બનાવ્યું છે. હમણાં તેનો કોઈ નિકાલ આવી શકે તેમ નથી. હવે એક વર્ષ બાદ આ મુદ્દે ફરી ચર્ચા કરાશે. લોકગાયક વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ડિજેના કલાકારોએ મને જાણ કરી કે ડીજે પર ઠાકોર સમાજ દ્વારા પ્રતિબંધ મુક્યો છે અને અમારી સ્થિતિ ખરાબ થાય તેમ છે. અમારુ ગુજરાન તેના પર ચાલી રહ્યું છે. તમે ગેનીબેનને રજૂઆત કરો એટલે જ મેં આ રજૂઆત કરી કે સમાજના આગેવાનો કોઈ રસ્તો કાઢે.