ગાંધીનગરની ગિફ્ટ સિટી રાજ્ય સરકાર દ્વારા શરતો સાથે દારૂ પીવાની છૂટછાટ મળ્યા બાદ સતત ચર્ચામાં રહી છે. આ વચ્ચે ગિફ્ટ સિટીમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાતા ફરી એકવાર આ વિસ્તાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દરોડો પાડી આશરે 26 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
એક ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો
માહિતી મુજબ ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે આવેલા એક ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડની ધરપકડ કરવામાં આવી છે. અંકિત કક્કડ રાજકોટ નજીક માધાપર ચોકડી વિસ્તારના દ્વારકા હાઈટ્સમાં રહે છે અને મૂળ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અંકિત કક્કડ 10 માર્ચથી આ ફ્લેટમાં રહેતો હતો. તેણે ‘Airbnb’ એપ્લિકેશન મારફતે આ ફ્લેટ રોજના અંદાજે 3,000 રૂપિયાના ભાડે લીધો હતો, જે પ્રમાણે માસિક ભાડું લગભગ 90 હજાર રૂપિયા જેટલું થાય છે.
રકમ તેણે ઓનલાઇન ગૂગલ પે દ્વારા ચુકવી
આ ભાડાની રકમ તેણે ઓનલાઇન ગૂગલ પે દ્વારા ચુકવી હતી.પૂર્વ બાતમીના આધારે SOGના પી.આઈ. એચ. આઈ. ભાટી અને તેમની ટીમે 11 માર્ચની રાત્રે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બેડરૂમમાં રાખેલી નાઇકીના નિશાનવાળી બેગમાંથી લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. બાદમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીને બોલાવી તપાસ કરાવતા તે ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું. પોલીસને કુલ 0.746 કિલોગ્રામ ગાંજો મળ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 26.11 લાખ રૂપિયાનો ગાંજો, 4 હજાર રૂપિયા રોકડ, બે મોંઘા આઈફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો તેમજ આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંજાનો વેપાર કરવા માટે ગિફ્ટ સિટીમાં રોકાયો
આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેણે આ ગાંજાનો જથ્થો બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ નજીક અનિકેત રબારી નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. હાલ ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે SOGના પી.આઈ. એચ. આઈ. ભાટીએ જણાવ્યું હતું કે આરોપી ગાંજાનો વેપાર કરવા માટે ગિફ્ટ સિટીમાં રોકાયો હતો અને તે આ જથ્થો છૂટક રીતે વેચવાની તૈયારીમાં હતો. પોલીસને ચોક્કસ બાતમી મળતાં દરોડો પાડી તેને ઝડપવામાં આવ્યો છે. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.