ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની એક ખાસ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 14 સરકારી હોસ્પિટલના પરિસરમાં રેન બસેરા તૈયાર કરવામાં આવશે.દર્દીઓના સગા સંબંધીઓને રહેવા-રોકાવવાની મુશ્કેલી હવે નહીં પડે. સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને લીઝ પર જમીન આપવા માટેની અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, દૂર-દૂરના વિસ્તારમાંથી પોતાના સ્વજનોની સારવાર માટે આવતા લોકોને રાજ્યની સરકારી હોસ્પિટલના પરિસરમાં જ રોકાણ માટેની સુવિધા અપાશે.

14 સરકારી હોસ્પિટલ પરિસરમાં સુવિધા
મોરબી, વેરાવળ, ખંભાળીયા અને જામનગર સહિત 14 સરકારી હોસ્પિટલના પરિસરમાં રેન બસેરા તૈયાર કરવાની યોજના છે. આ માટે જમીન પસંદગી અંગે નિર્ણય બાદ કામગીરી શરૂ થશે. પોરબંદર,ગોધરા અને મોરબી-GMERS જનરલ હોસ્પિટલ, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ અને મોડાસા તથા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે આરામદાયક વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ લોકકલ્યાણનો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે વિશ્રામગૃહની સુવિધા તૈયાર કરાઈ છે.

મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત થશે
આ રેન બસેરામાંથી દર્દીના સગા સંબંધીઓને સ્વચ્છ રૂમ, આરામ દાયક સુવિધાઓ, શુદ્ધ ભોજન, પીવાની પાણીથી લઈને આરામ કરવા સુધીની પાયાની સુવિધાઓ મળી રહેશે. આ રેન બસેરાનું યોગ્ય રીતે મેઈનટેનન્સ કરવામાં આવશે. દર્દીની સાથે આવતા સગા સંબંધીઓને હંમેશા રોકાવવા માટેનો પ્રશ્ન રહેતો હોય છે જે રેન બસેરા તૈયાર થતા ઉકેલાશે. દર્દીને સારવારની સાથે એમના સંબંધીઓને પણ આરામ કરવાની જગ્યા મળી રહેશે. રહેવાની સાથે જમવા માટેની પણ સુવિધા તૈયાર કરાશે. ફૂડઝોન માટે અલગથી વિભાગ તૈયાર કરવામાં આવશે. જ્યાં બેસીને સગા સંબંધીઓ જમી શકશે. આ ભોજન વ્યવસ્થા માટે ચોક્કસ સમય મર્યાદા પણ નક્કી કરાશે. આ અંગે યોગ્ય આયોજન થતા બાદ જે તે રેઈન બસેરા માટે કામગીરી રૂપ પગલાં લેવાશે.