નવી દિલ્હીઃ ગોવાના નાઈટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના મૃત્યું થયા હતા. આ અગ્નિકાંડના આરોપી અને ક્લબના માલિક લુથરા બ્રધર્સ ઘટના બાદ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. એમનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.આ પછી થાઈલેન્ડ પોલીસે પાસપોર્ટ રદ્દ થયા બાદ આ બન્ને શખ્સોને પકડી પાડી ધરપકડ કરી છે. ગોવા પોલીસે આ અંગેની જાણકારી આપતા બન્ને થાઈલેન્ડમાં હોવાની વિગત આપી હતી.આ બન્ને આરોપીને ટૂંક જ સમયમાં ગોવામાં લાવવામાં આવશે. ભારત સરકારે પણ આ લૂથરા બ્રધર્સ પર કડક એક્શન લેવા પગલાં લીધા છે.

દિલ્હીથી થાઈલેન્ડ ગયા
ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબમાં તા.6 ડિસેમ્બરની રાત્રે અચાનક આગ લાગી હતી.આ અગ્નિકાંડમાં 4 માલિકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અજય ગુપ્તા નામના આરોપીનો પણ સમાવેશ થાય છે. અજય ગુપ્તાએ માત્ર એ વાત કહી હતી કે, હું માત્ર પાર્ટનર છું એનાથી વધારે મને કોઈ વાતની જાણકારી નથી.

આ જ ક્લબના બે માલિક અને સગા ભાઈઓ સૌરભ લુથરા અને ગૌરવ લૂથરા ક્લબમાં આગ લાગ્યા બાદ દિલ્હી ભાગી ગયા હતા. દિલ્હીથી થાઈલેન્ડ માટે ફ્લાઈટ પકડી હતી. ઈન્ટરપોલે બન્નેની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ભારત સરકારે બન્નેનો પાસપોર્ટ કેન્સલ કરી દીધો હતો. ગોવા નાઈટક્લબના અન્ય એક માલિક સુરિંદર કુમાર ખોસલાની સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.આ ભારતીય નહીં પણ બ્રિટિશ નાગરિક છે.

નવો નિયમ લાગુ કરાયો
જે સમયે ક્લબમાં આગ લાગી અને બચાવકાર્ય કરવામાં આવી રહ્યું હતું એ સમયે લૂથરા બ્રધર્સે થાઈલેન્ડની ટિકિટ બુક કરી નાંખી હતી. થાઈલેન્ડમાં ધરપકડ થયા બાદ લૂથરા બ્રધર્સની તસવીર સામે આવી હતી. પહેલા આ બન્ને ભાઈઓને દિલ્હી લાવવામાં આવશે અને પછી ગોવા પોલીસને સોંપી દેવામાં આવશે. આગની ઘટના બન્યા બાદ ગોવાના તંત્રએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ટુરિસ્ટ પ્લેસમાં ફટાકડા અને આતશબાજીના ઉપયોગ મનાઈ ફરમાવી છે. સમગ્ર ઉત્તર ગોવાના તમામ નાઈટક્લબ, બાર, રેસ્ટોરાં, હોટેલ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ પર આ નિયમ લાગુ રહેશે. આ ઘટના બાદ ગોવાના તમામ ક્લબમાં સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. પોલીસ ટીમ દિવસ રાત ચેકિંગ કરી રહી છે.