નવી દિલ્હીઃ ગોવામાં આવેલી બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબમાં આગની (Goa Fire Tragedy) ઘટના બની હતી. જેના માલિક લુથરા બ્રધર્સ એ જ સમયે દેશ છોડીને ભાગી ગયા હતા.સૌરભ અને ગૌરવ થાઈલેન્ડમાં પકડાઈ જતા હવે ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. થાઈલેન્ડ પોલીસે ડિપોર્ટેશન પ્રક્રિયા અંતર્ગત બન્ને ભાઈઓને ભારતીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવશે. બેંકોકથી દિલ્હી લાવવામાં આવશે અને પછી ગોવા પોલીસને સોંપી દેવાશે. તા.16 ડિસેમ્બરના રોજ તેઓ બપોરના સમયે દિલ્હી આવ્યા બાદ ગોવા લઈ જવામાં આવશે. બન્ને ભાઈઓનો કબજો લેવા માટે ગોવા પોલીસની એક ટીમ દિલ્હી એરપોર્ટ સુધી પહોંચી હતી.

ગોવા પોલીસની ટીમ પહોંચી
દિલ્હી એરપોર્ટ પરથી જ બન્નેની ધરપકડ કરવામાં આવશે. પછી બન્નેને પટિયાલા કોર્ટમાં રજૂ કરાશે. રીમાન્ડ માટે પોલીસ કોર્ટને અપીલ કરશે. તા.6 ડિસેમ્બરના રોજ ગોવાના બિર્ચ બાય રોમિયો ક્લબમાં આગ લાગી હતી. જેમાં 25 જેટલા લોકો મૃત્યું પામ્યા હતા. ઘટના બન્યા પછી બંન્ને ભાઈઓ થાઈલેન્ડ ફરાર થઈ ગયા હતા. તા. 11 ડિસેમ્બરના રોજ થાઈલેન્ડ પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. બન્ને સામે બેદરકારી અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. લુથરા બ્રધર્સ થાઈલેન્ડ સુરક્ષિત પહોંચી ગયા હતા. જ્યારે બન્ને ભાઈ હોટેલની બહાર જમવા માટે નીકળ્યા એ સમયે પકડાઈ ગયા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર તા.9 ડિસેમ્બરના રોજ અધિકારીઓને લુથરા બ્રધર્સ અંગે જાણકારી આપી દેવામાં આવી હતી. પહેલા ભારતમાં બન્નેની તપાસ કરવામાં આવી હતી.

ફૂકેટમાં હતા
તપાસ કરતા જાણકારી મળી હતી કે, બન્ને ભાઈઓ ફૂકેટમાં હતા. ભારતમાંથી પૂરતા ઈનપુટ મળ્યા બાદ થાઈલેન્ડના પોલીસ અધિકારીઓએ હોટેલ પર નજર રાખી હતી.જ્યારે જમવા માટે બન્ને ભાઈઓ બહાર નીકળ્યા એ સમયે ઈમિગ્રેશન વિભાગના અધિકારી તથા પોલીસે ઝડપી લીધા. સૌરભ અને ગૌરવ ક્લબ સિવાય અન્ય 42 કંપનીઓ સાથે પણ જોડાયેલા છે. જેમાંથી કેટલીક કંપની માત્ર કાગળ પર છે. આ તમામ કંપનીઓ દિલ્હીના માત્ર એક જ સરનામે નોંધાઈ છે. ઘણી ફેક કંપનીઓ પણ ધરાવે છે. આવી કંપનીઓના નામ અને ખાતાનો ઉપયોગ બ્લેક મનીની હેરફેર માટે કરાતો હતો. મની લોન્ડ્રિંગ માટે કરાતો હતો. જોકે, તપાસ હજુ બાકી છે. જેમાંથી મોટી વિગત બહાર આવી શકે છે. ક્લબમાં જ્યારે આગ લાગી એ સમયે જ બન્ને ભાઈઓએ થાઈલેન્ડની ટિકિટ બુક કરી નાંખી હતી. ભાગવાનો પ્લાન બનાવ્યો હતો પણ થાઈલેન્ડથી પકડાઈ ગયા.