ગાંધીનગરઃ ગાંધીનગર વિધાનસભામાં આજરોજ રાજ્યનું બજેટ રજૂ થશે. ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં નવી યોજના, મહિલા તથા બાળકો, ઉદ્યોગપતિઓ તેમજ મધ્યમવર્ગને મોટી રાહત મળે એવી આશા છે. બજેટસત્રના ત્રીજા દિવસ આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાત રાજ્યનું ભાવિ નક્કી કરશે. આર્થિક રીતે રાજ્યને એક નવી દિશા તરફ લઈ જશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ વર્ષના બજેટ પર સૌની નજર એટલા માટે છે કારણ કે, આ કોઈ આંકડાકીય વિગત નથી, પરંતુ કોમનવેલ્થ ગેમ્સ અને કોર્પોરેશનની ચૂંટણીને સ્પર્શે એવું બજેટ છે. આ બજેટ એક માઈલસ્ટોન સાબિત થશે એવી નાગરિકોને આશા છે.
આવક અને ખર્ચના પાસા
રાજ્યમાં વધી રહેલી આંતરમાળખાકીય સુવિધા અને કલ્યાણકારી યોજનાઓના ખર્ચને લઈને આ વર્ષું બજેટ અગાઉ કરતા અનેકગણું વધારે હોઈ શકે છે. રાજ્ય સરકાર પાસે આવકના મુખ્યસ્ત્રોત પૈકી GST અને અન્ય કરવેરા: 43.22%, જાહેર દેવું અને લોન વસૂલાત: 30.47%, કેન્દ્રીય વેરામાં હિસ્સો: 13.47%, કેન્દ્રીય ગ્રાન્ટ: 11.97% જેવા પાસા છે, જ્યારે વિકાસલક્ષી ખર્ચ: 65.57% (શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ), બિન-વિકાસલક્ષી ખર્ચ: 23.45% (વહીવટી ખર્ચ), દેવું ચૂકવણું: 9.16%, લોન અને પેશગી: 1.31%, જેવા પાસાઓ ખર્ચ પેટે છે. રાજ્યમાં વિશેષ ઈન્ફ્રા. ક્નેક્ટિવિટી, મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, સ્પોર્ટ્સ-ખાસ કરીને કોમનવેલ્થ, મહાનગરોમાં મેટ્રો પ્રોજેક્ટ, ગ્રીન એનર્જી, સોલાર પ્લાન્ટ, રાજ્ય સરકાર અંતર્ગત આવતા હાઈવે, ગ્રીન હાઈડ્રોજન અને નવી યોજના પર ફોક્સ રહેવાનું છે.
મોટી યોજાનાની જાહેરાત થઈ શકે
બીજી તરફ ખેડૂતો અને પશુપાલકો માટે કોઈ મોટી યોજના દ્વારા કલ્યાણકારી વિગત સામે આવી શકે છે. કનુ દેસાઈનું આ પાંચમું બજેટ ‘વિકસિત ગુજરાત @ 2047’ ના પાયા સમાન હશે. વધતા જતા જાહેર દેવા વચ્ચે વિકાસની ગતિ જાળવી રાખવી એ સરકાર માટે મુખ્ય પડકાર રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સ્તર સુધરે અને મધ્યમવર્ગને એક રાહત મળે એ વિષય પર સૌની નજર રહેવાની છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરમાં થોડા દિવસ પહેલા જ ઈવી બસ ક્નેક્ટિવિટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉપર પણ ફોક્સ રહેવાનું છે. આર્થિક રીતે મળતા ફંડમાં આ બજેટમાંથી કયા સેક્ટરમાં શું નવું અને કેટલી ફાળવણી થાય એના પર આગામી યોજના કે પ્રોજેક્ટ નિર્ભર કરે છે.