ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારના પ્લેન અને હેલિકોપ્ટર પર થયેલા ખર્ચ અંગે મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન આ આકાશી વાહનોની જાળવણી અને સંચાલન પાછળ થયેલા ખર્ચની વિગત રજૂ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કુલ 87 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો મેન્ટેનન્સ એટલે કે જાળવણી માટે થયો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર મેન્ટેનન્સ માટે જ અંદાજે 56 કરોડ 66 લાખ રૂપિયા ખર્ચાયા છે.
મેન્ટેનન્સની ગુણવત્તા અંગે પણ સવાલો
આ ઉપરાંત પ્લેન અને હેલિકોપ્ટર ઉડાવતા પાયલોટોના પગાર તરીકે સરકાર દ્વારા આશરે 28 કરોડ 8 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ટેકનિકલ કર્મચારીઓના પગાર અને ભથ્થાં પાછળ અંદાજે 1 કરોડ 58 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર મામલામાં ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, મેન્ટેનન્સ પાછળ એટલો મોટો ખર્ચ થવા છતાં બે વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે પ્લેન અને હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા તેનો ઉપયોગ શક્ય બન્યો નહોતો. આ પરિસ્થિતિને લઈને મેન્ટેનન્સની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની
વિરોધ પક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે જનતાના પૈસાનો આ રીતે ભારે ખર્ચ થવો ચિંતાજનક છે. જ્યારે રાજ્યમાં અનેક મહત્વની જરૂરિયાતો માટે નાણાંકીય મર્યાદાઓનો સામનો કરવો પડે છે, ત્યારે વીઆઈપી સુવિધાઓ માટે આટલો મોટો ખર્ચ થવો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ગુજરાત સરકાર પાસે આધુનિક પ્લેન અને હેલિકોપ્ટર ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ મુખ્યમંત્રી, રાજ્યપાલ અને અન્ય વીઆઈપી મહાનુભાવોની અવરજવર માટે કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા આ આંકડાઓને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે.